Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાવધાન : હોળી ધુળેટી પર્વ નિમિત્તે ફાળો ઉઘરાવવાનાં બહાને ઘરમાં પ્રવેશી લુંટ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

  • March 23, 2024 

ગાંધીનગરમાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે ફાળો ઉઘરાવવાનાં બહાને ઘરમાં પ્રવેશી તકનો લાભ ઉઠાવી લૂંટ કરતી મહિલા ગેંગને ગાંધીનગર એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સેકટર – 19 પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી ગૃહિણીની નજર ચૂકવી મહિલા ગેંગ સોનાનો દોરો સેરવી લઈ ફરાર થઈ ગઈ હતી. ગાંધીનગરના સેકટર – 19, ઘ ટાઈપના મકાનમાં રહેતા રાજેશ્રીબેન પંકજભાઈ આહિરનાં ઘરે બે દિવસ અગાઉ હોળી ધુળેટીનો ફાળો માંગવાનાં બહાને પાંચ મહિલાઓ પહોંચી હતી.


આ દરમ્યાન પાંચ પૈકી એક મહિલાએ પીવાનું પાણી માંગ્યું હતું. એટલે રાજેશ્રીબેને તેઓને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. એટલે એક મહિલા ખુરશીમાં બેસી ગઈ હતી. જ્યારે અન્ય ચાર મહિલાઓ દરવાજા પાસે બેઠી હતી. ત્યારે રાજેશ્રીબેન રસોડામાં પાણી લેવા માટે ગયા હતા. આ દરમ્યાન તેમનો દીકરો જયરાજ હોલમાં આવીને બેઠો હતો. રાજેશ્રીબેને બધાને પાણી આપ્યું હતું. ત્યારે મહિલાઓએ હોળી ધુળેટીનાં ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. તે વખતે ખુરશીમાં બેઠેલી મહિલા પોતાની ઓળખાણ માતાજીના ભૂવા તરીકે આપી કહેવા લાગેલ કે, હું કુંવારી છુ, લગ્ન કરેલ નથી. મારા આર્શીવાદ બધાને ફળે છે તેમ કહી ભુવાની જેમ ધુણવા લાગી હતી.


આ જોઈ રાજેશ્રીબેને કહેલ કે, હું આવા ભુવા ભપેડામાં માનતી નથી. બાદમાં તેમણે હોળીના તહેવાર માટે ફાળો લેવા આવ્યા છો તો પૈસા આપું છું કહીને પર્સમાંથી 100 રૂપિયા આપ્યા હતા. અને ધૂણતિ મહિલાને પગે પડી આશીર્વાદ લીધા હતા.એટલે પાંચેય મહિલાઓ ત્યાંથી રવાના થઇ ગઈ હતી.જેની થોડીવાર પછી રાજેશ્રીબેનને માલુમ પડેલ કે, ગળામાંથી 40 હજારનો દોરો નજર ચુકવીને મહિલાઓ સેરવી લઈ ગઈ છે. આ અંગે સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં એસપી રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઈ એચ પી પરમાર તેમજ ડી બી વાળાએ પોતાની ટીમો સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમ્યાન મળેલી બાતમીના આધારે પાંચેય મહિલા ગેંગને સેકટર – 21 શોપિંગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે.જેઓની પૂછતાંછમાં તેમણે પોતાના નામ મધુબેન બાબુભાઇ બબાભાઇ સલાટ (વાદી), રાધાબેન મહેન્દ્રભાઇ સલાટ (બન્ને રહે. બહીયલ સલાટ વાસ બળિયાદેવના મંદિર પાસે તા-દહેગામ) કાંન્તાબેન મંગાભાઇ સલાટ, શારદાબેન મહેશભાઈ સલાટ, શંકુબેન ગોવિંદભાઈ સલાટ (ત્રણેય રહે-કપંડવંજ સલાટ વાસ) હોવાનું જણાવ્યું હતું. પાંચેય મહિલા ગેંગે હોળી ધુળેટીનો ફાળો ઉઘરાવવાનાં બહાને ચોરી કરવા ગાંધીનગર આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application