માતા પિતા અંગે એક શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચારેય તરફથી ટિકાનો સામનો કરી રહેલો યુટયુબર રણવીર અલ્લાહબાદીયા અને અપૂર્વા મુખર્જી બન્ને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થયા હતા અને માફી માગી હતી. આ પહેલા શોના પ્રોડયુસર સૌરભ બોથરા અને તુષાર પૂજારી પણ કમિશન સમક્ષ હાજર થયા હતા અને માફી માગી હતી. રણવીરે પંચના અધ્યક્ષને કહ્યું હતું કે આ અમારી પહેલી અને અંતિમ ભુલ છે, હવેથી મહિલાઓ અંગે કઇ પણ બોલતા પહેલા ૧૦૦ વખત વિચાર કરીશ. શુક્રવારે પ્રેસ કોન્ફરંસને સંબોધતા મહિલા પંચના અધ્યક્ષ વિજયા રાહતકરે કહ્યું હતું કે મહિલા પંચ આ પ્રકારની અભદ્ર ભાષાને નહીં ચલાવી લે.
આ મામલામાં રણવીર, અપૂર્વા, તુષાર, સૌરભ ચારેય લોકો પંચ સમક્ષ હાજર થયા હતા અને પોતાનો જવાબ રજુ કર્યો હતો. આ અયોગ્ય ભાષાનો પંચ ક્યારેય સ્વીકાર નહીં કરે. તમામ લોકોએ પોતાના નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને માફી માંગી છે અને કહ્યું છે કે અમારાથી ભુલ થઇ ગઇ છે અમારા દ્વારા આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવો જોઇતો હતો, આ અમારી અંતિમ ભુલ રહેશે હવે પછી આ પ્રકારની ભાષાનો પ્રયોગ નહીં થાય. એવા અહેવાલો છે કે, રણવીર અને અપૂર્વાની કલાકો સુધી મહિલા પંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
મહિલા પંચે રણવીર અને અન્ય આરોપીઓના નિવેદનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે બાદ તમામને નોટિસ ફટકારી હતી અને સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા. મહિલા પંચના અધ્યક્ષે કહ્યું હતું કે તમામ આરોપીઓએ ભારે દુઃખ સાથે માફી માગી છે અને સાથે જ ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં આવી કોઇ ભુલ નહીં કરે. ખાસ કરીને રણવીરે મહિલા પંચને ખાતરી આપી છે કે ભવિષ્યમાં તે વધુ સતર્ક રહેશે અને આ પ્રકારની ટિપ્પણીઓથી દૂર રહેશે. રણવીરે કહ્યું છે કે આ મારી પહેલી અને અંતિમ ભુલ હતી, મહિલાઓ અંગે કોઇ પણ નિવેદન કરતા પહેલા હું વધુ સતર્ક રહીશ. રણવીરે આ શોમાં માતા-પિતાના શારીરિક સંબંધને ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ રણવીર સહિતના સામે અનેક રાજ્યોમાં જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં એફઆઇઆર દાખલ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500