દેશભરમાં કોવિડ કેસોમાં ફરી ચિંતાજનક ઉછાળો નોંધાયો છે અને આ ઉછાળા માટે જવાબદાર ગણાતા JN.1 વેરિએન્ટનો એક કેસ મહારાષ્ટ્રમાં સિંધુ દુર્ગમાં પણ જોવા મળ્યો છે. તેને પગલે મહારાષ્ટ્રનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. સીએમઓમાં આરોગ્ય ખાતાં તથા અન્ય સંબંધિત અધિકારીઓની એક તાકીની બેઠકમાં રાજ્યની હોસ્પિટલો કોવિડ સામે કેટલી સુસજ્જ છે તે ચકાસવા સહિતના આ દેશો અપાયા હતા. આ બેઠકમાં મુખ્યપ્રધાને સૂચવ્યું હતું કે, હવે નાતાલ તથા નવાં વર્ષની ઉજવણીઓ શરુ થવામાં છે ત્યારે લોકોએ વિશેષ તકે દારી લેવી જોઈએ. જરુર લાગે તે ભીડવાળાં સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ પણ તેમણે આપી હતી.
મુખ્યપ્રધાનનાં વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં તમામ સરકારી હોસ્પિટલોને તથા અન્ય આરોગ્ય વિષયક સંસ્થાઓને તેમની સ્ટ્રકચરલ, ઈલેક્ટ્રિકલ અને ફાયર સેફ્ટી સહિતની બાબતોનું તત્કાળ ઓડિટ કરવા જણાવાયું હતું. આ હોસ્પિટલોમાં આઈસોલેશન બેડ્સ કેટલા ઉપલબ્ધ છે અને ઓક્સિજન પુરવઠાની શું સ્થિતિ છે તેની પણ ચકાસણી કરવા જણાવાયું હતું. રાજ્યના આરોગ્ય તંત્રને ઓક્સિજન પ્લાન્ટસ વેન્ટિલેટર્સ, ઓક્સિજન પાઈપલાઈન્સ, આરટીપીસીઆર લેબ્સ તથા લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટસનું સ્ટેટસ તપાસવા વેક્સિનેશન પ્રોસેસની સમીક્ષા કરવા તથા વેક્સીન મેળવી ચૂકેલા અને હજુ બાકી હોય તેવા લોકોનો ડેટા અપડેટ કરવા સહિતના આદેશો અપાયા હતા. જરુર પડે એક ટાસ્ક ફોર્સ રચી વેક્સિન, મેડિસિન તથા અન્ય સર્જિકલ આઈટમોના પુરવઠા પર દેખરેખ રાખવા પણ જણાવાયું હતું.
આગામી દિવસોમાં નાતાલનો તહેવાર છે અને તે પછી નવાં વર્ષ નિમિત્તે અનેક લોકો પાર્ટીઓમાં સામેલ થશે કે, પ્રવાસ પર્યટને નીકળશે. મુંબઈમાં આ નિમિત્તે અનેક જાહેર કાર્યક્રમો પણ યોજાવાના છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભીડ ધરાવતાં સ્થળોએ માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરવાનું પણ નક્કી થયું હતું. જોકે, સાથે સાથે લોકોને એ જણાવવાનું પણ નક્કી થયું હતું કે મહારાષ્ટ્રમાં આરોગ્ય તંત્ર સજ્જ અને સક્ષમ છે અને લોકોએ બિનજરુરી ગભરાવાની કોઈ જરુર નથી. આ બેઠકમાં અપાયેલા આંકડા અનુસાર હાલ રાજ્યમાં 63 હજાર આઈસોલેશન બેડ્સ, 9500 આઈસીયુ બેડ્સ, 6 હજાર વેન્ટિલેટર બેડ્સ ઉપલબ્ધ છે. બીજી તરફ મુંબઈ મહાપાલિકાના આરોગ્ય તંત્રએ પણ નવા વેરિએન્ટના સંદર્ભમાં તકેદારીનાં પગલાં રૂપે શહેરની પાલિકા સંચાલિત હોસ્પિટલો તથા દવાખાનાંઓમાં સજ્જતાની સમીક્ષા યોજી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500