વલસાડ જિલ્લાના કપરાડાના આંબાજંગલ ગામે રહેતી પરિણીતાના પરપુરૂષ સાથે ચાલી આવેલ પ્રેમસંબંધ અંગે પતિને જાણ થઈ જતા ગામમાં ઇજ્જત જશે તેવા ડરથી પત્નીએ નજીકમાં આવેલ કાજુની વાડીમાં એક ઝાડ પર ઓઢણીની મદદથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના માથા ફળિયામાં રહેતા કમલેશ લક્ષ્મણભાઈ ગોરે (ઉ.વ.૩૦) નામના ખેતમજૂરે કપરાડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેની પત્ની મયનાબેન (ઉ.વ.૨૮)નો છેલ્લા એકાદ વર્ષથી વિરક્ષેત્ર ગામે રહેતા એક ઇસમ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો અને તેઓ મોબાઈલ ફોન પર વાતચીત પણ કરતા હતાં. જોકે ગત તારીખ ૧૪-૦૧-૨૫એ સાંજે પત્નીના પ્રેમીનો ફોન કમલેશ પર આવ્યો હતો.
કમલેશે તેની પત્નીને તેણીના પ્રેમી સાથે વાત કરાવતા પ્રેમીએ મહિલાને ફળી ગામે રાત્રે મળવા બોલાવી હતી. જેથી કમલેશ તેની પત્નીને પોતાની મોટરસાયકલ પર બેસાડીને ફળી ગામે લઈ ગયો હતો. જ્યાં પત્નીના પ્રેમીને કમલેશે તેની પત્ની સાથે તેનું લફડું કેટલા સમયથી ચાલે છે તેમ પૂછતા પ્રેમીએ હું એને ઓળખતો નથી, અમારું લફડું ચાલતું નથી તેમ કહ્યુ હતું. જેથી મહિલાએ ઇસમને, આપણું લફડું એક વર્ષથી ચાલે છે, તું સાચું કેમ બોલતો નથી તેમ કહેતા પતિ કમલેશે પત્નીના પ્રેમીને બે ઝાપટ મારી તેનો મોબાઇલ ફોન લઈ લીધો હતો અને પત્નીને બાઈક પર બેસાડીને પરત ઘરે લઈ આવ્યો હતો.
જોકે રાત્રે કમલેશેતેની પત્નીને, જે કંઈ થયું તે હવે ભુલી જા તેમ કહીં બંને જણા સૂઇ ગયાં હતાં. પરંતુ પત્નીને તેણીનો બીજા ઈસમ સાથે પ્રેમસંબંધ ચાલતો હોવાની પતિને ખબર પડી ગઇ છે જેથી ગામમાં તેણીની ઈજ્જત જશે તેમ વિચારીને મળસ્કે ૩થી પ વાગ્યા દરમ્યાન ઘરેથી નીકળીને થોડે દૂર કાજુની વાડીમાં ઝાડની ડાળી સાથે ઓઢણીની મદદથી ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી દીધુ હતું. ઘટના અંગે પોલીસે હાલ તો અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500