મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બર્ડ ફ્લૂનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. અહીં માંગલી ગામ અને તેની આસપાસના 10 કિલોમીટરના એરિયાને 'એલર્ટ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, 25 જાન્યુઆરીના રોજ બ્રહ્મપુરી તાલુકાના માંગલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. આ બાબતની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલ લઈ તેને પૂણે અને ભોપાલ પરીક્ષણ માટે મોકલ્યા હતા.
ત્યારબાદ જ્યારે લેબમાંથી રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા H5N1) ની પુષ્ટિ થઈ. હવે રિપોર્ટ મળ્યા બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું. ચંદ્રપુરના કલેક્ટર અને ડીડીએમએના અધ્યક્ષે માંગલી ગામ અને તેની આસપાસના 10 કિલોમીટરનો એરિયાને 'એલર્ટ ઝોન' જાહેર કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે ઝોનમાં સંક્રમણ અટકાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, અહીં માંગલી, ગેવરલાચક અને જુનોનાટોલી ખાતે પોલ્ટ્રી બર્ડ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સંક્રમિત પક્ષીઓને મારી નાખવામાં આવશે.
સંક્રમિત મરઘીઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને નાશ કરવામાં આવશે. બાકી રહેલો પશુ આહાર અને ઈંડાને પણ નષ્ટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ ઝોનમાં જીવિત અને મૃત મરઘા, ઈંડા, ચિકન, પક્ષીઓનો ખોરાક, સહાયક સામગ્રી અને સાધનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મના એન્ટ્રી ગેટ અને પરિસરને સોડિયમ હાઈપોક્લોરાઇટ અથવા પોટેશિયમ પરમેંગેનેટથી સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. સંક્રમિત વિસ્તારના 5 કિલોમીટરના એરિયામાં પોલ્ટ્રી અને ચિકનની દુકાનો બંધ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500