PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.તાજેતરમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગતની SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત તાપી જિલ્લામાં 2 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. તાપી જીલ્લાના વ્યારા નગરમાં આવેલ અને કાકરાપાર બાયપાસ રોડ પર આવેલ એમ બંને મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તજજ્ઞ તબીબોની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન આ હોસ્પિટલ ફાયર સેફટી અને મેડીકલ ચાર્ટ એડવાન્સમાં બનાવતા હતા એટલું જ નહીં ICU સાધનો જુના અને સમયસર મેઈન્ટેનન્સ ન કરતા હોવાનું તપાસમાં ઉજાગર થયું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરિતીની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરિતી આચરતી હોસ્પિટલ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાય. જોકે આ મામલે અત્યાર સુધીમાં તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આપને અહીં જણાવી દઈએ છીએકે, પીએમજેએવાય-માં યોજના માંથી રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં ખ્યાતી હોસ્પિટલે જરૂર ન હોવા છતાં લોકોનાં હ્રદય ચીરી નાંખ્યા હતા. જેમાં ૩ દર્દીઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાબાદ રાજ્યના SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) ને એક્ટીવ કરી છે. આ ટીમના દરોડામાં વધુ 15 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ખ્યાતીકાંડ બાદ અત્યાર સુધીમાં 22 જેટલી હોસ્પિટલોને માં- યોજના માંથી સસ્પેન્ડ કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500