રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં હજુ એક-બે દિવસ લૂની સ્થિતિ જારી રહેશે. મધ્ય ભારત અને તેની આસપાસનાં વિસ્તારો તેમજ પૂર્વ ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં લૂની સ્થિતિ સમાપ્ત થઇ ગઇ છે. એક તરફ અનેક રાજ્યોમાં વરસાદ તો બીજી તરફ દિલ્હીમાં સોમવારે લૂને લઇને યલો એલર્ટ અપાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં કોઇ વધારો નહીં થાય, જ્યારે આ સમય દરમિયાન તાપમાન બેથી ત્રણ ડિગ્રી ધીમી ગતીએ ઓછુ થતું જશે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં મેદાની વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂથી થોડી રાહત મળવાની આગાહી કરી છે. આઇએમડીએ સોમવારે જણાવ્યું હતું કે, દિલ્હી-એનસીઆર વિસ્તારમાં 16 અને 17 જૂને વરસાદની શક્યતાઓ છે.
રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ હરિયાણામાં લૂની સ્થિતિ જોવા મળી હતી. આ સાથે જ દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દક્ષિણ પશ્ચિમ બિહાર અને ઉત્તર ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં લૂની સ્થિતિ ઉભી થઇ હતી. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાજેતરની જાણકારી અનુસાર પશ્ચિમી વિક્ષોભના પ્રભાવમાં જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.
તેવી જ રીતે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક હિસ્સામાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. એક તરફ આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે બીજી તરફ દિલ્હીમાં લૂને લઇને યલો એલર્ટ જારી કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500