Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં વેક્સિનેશનની કામગીરીમાં લોલમલોલ

  • June 16, 2021 

કોરોના મહામારી થી બચવા "રસીકરણ એકમાત્ર ઉપાય છે "આ વાક્યનું રટણ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સરકારી અધિકારીઓ મહિનાઓથી કરી રહ્યા છે પરંતુ વેક્સિન ની કામગીરી સાવ કીડી મકોડા ની ઝડપે ચાલી રહી છે. રસીકરણનો લાભ સમાજના સમૃદ્ધ અને શિક્ષિત વર્ગ સુધી જ સીમિત રહ્યો છે જેમાં કારણે જિલ્લાના સ્લમ અને પછાત વર્ગના લોકો સુધી રસીકરણ ની કામગીરી પહોંચી શકી નથી જેની કબૂલાત ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખે સામાન્ય સભામાં કરવી પડી હતી.

 

 

 

 

આ અંગેની વિગતો મુજબ સુરત શહેર અને જિલ્લામાં કોરોના ની બીજી લહેર ની ભયાવહતા તેમજ મ્યુ કરમાયકોસીસની મહામારીનું સંકટ ધીમે ધીમે ટળી જતા સરકારી વિભાગોએ રાહત નો શ્વાસ અનુભવ્યો છે જોકે ત્રીજી લહેર પહેલા ૭૦ થી ૮૦ ટકા લોકોમાં  વેકસિનેશન જરૂરી છે. કારણકે જિલ્લાના લોકોમાં રસી મુકાશે તો તેમનામાં ઇમ્યુનિટી ડેવલોપ થશે જેથી કોરોના નું સંક્રમણ ઝડપથી વધશે નહીં. ત્રીજી લહેરની આગોતરી તૈયારી ની વાતો તો ઠીક છે પરંતુ હાલમાં જેની સામે તંત્ર એ લડાઈ લડવાની છે તેવા વેક્સિન અભિયાનમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગમાં લોલમલોલ હોય તેવો તાલ જોવા હાલના તબક્કે મળી રહ્યો છે આરોગ્ય વિભાગની વેક્સિનેશન ની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે બીજી તરફ જિલ્લાના અલ્પ વિકસિત સમાજના અશિક્ષિત ગરીબ આદિવાસીઓને વેક્સિનેશન કરાવવા તંત્રને જોઈએ તેવી સફળતા મળી રહી નથી. આ વાત ખૂદ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ ગઈકાલે સામાન્ય સભામાં કબૂલી છે જે ચોંકાવનારી બાબત છે પ્રમુખે આ કામગીરીમાં ઝડપ આવે એ માટે વેક્સિનેશન ની કામગીરી દરમિયાન લોકોને સમજાવવા માટેની અપીલ કરવાની સાથે સભ્યોને સાથે રહેવા જણાવ્યું હતું આ ઉપરાંત દરેક સદસ્યોને તાલુકા મથકોએ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવા પણ ફરજ પાડી હતી.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામડાઓમાં અલ્પ શિક્ષિત આદિવાસી સમાજ વસવાટ કરે છે ગણ્યાગાંઠ્યા શહેરો અને ગામડાઓમાં જ રસી કરણ ની ગુલબાંગો તંત્ર દ્વારા પોકારવામાં આવે છે અન્ય વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના લોકો વેક્સિનેશન કરાવવા તૈયાર થતા નથી તેમનામાં હજુ આ રોગ મામલે અંધશ્રદ્ધા પ્રવર્તે છે જે અંગે આગેવાનોએ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો અચૂક કરવા પડશે બીજી તરફ ઓનલાઇન રજિસ્ટ્રેશનની ઝંઝટથી સ્લમ અને પછાત વિસ્તારના લોકો રસીકરણથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળે છે કારણ કે સમાજના શિક્ષિત અને સમૃદ્ધ યુવાનો ઓનલાઇન નોંધણી કરાવી રસીકરણનો લાભ લઇ રહ્યા છે પરંતુ શ્રમિક અને રોજમદાર વર્ગને રસીકરણનું શું! એવો સવાલ હાલના તબક્કે કરાઈ રહ્યો છે.

 

 

 

 

અનુસુચિત જન-જાતિના લોકોને સમજાવવા ડીડીઓની અપીલ

સુરત જિલ્લામાં વેક્સિનેશન અંગેની કામગીરી ખુબ જ ઓછી છે આ બાબત જિલ્લા વિકાસ અધિકારીએ પણ ગંભીરતાથી લીધી છે તેમની મુલાકાત લેનાર તેમજ માજી ધારાસભ્ય અને વર્તમાન ઉંબેર અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક પરથી ચૂંટાયેલા ભારતીબેન રાઠોડ  સહિતના સભ્યને પણ ડીડીઓએ વેક્સિનેશન માટે તેમના સમાજના લોકોને સમજાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી અને આ માટે લોકોની વચ્ચે જઈને વેક્સિનેશન ની કામગીરીમાં ઝડપ આવે એવા પ્રયત્નો કરવા સમજાવ્યું હતું.

 

 

 

 

ખાટલે મોટી ખોડ ગણતરીના સમયમાં સ્લોટ થઈ જાય છે બુક

જિલ્લાના અંતરિયાળ ગરીબ આદિવાસી લોકો વસવાટ કરે છે વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડે છે દરરોજ જિલ્લા પંચાયત દ્વારા સ્લોટ ઓપન કરાય છે પણ ગણતરીના સમયમાં જ તે બુક થઈ જાય છે અને એ લોકો તંત્રને ફરિયાદ કરે છે ચાર પાંચ દિવસ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં સ્લોટ મળતા નથી તેની પાછળ કારણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે મોટાભાગના ઓન લાઈન રજીસ્ટ્રેશન સુરત સીટી અને શહેરી વિસ્તારના હોય છે જેથી ગ્રામ્ય વિસ્તારના રસીકરણના લાભાર્થીઓ વંચિત રહી જાય છે એના માટે તંત્રએ ગામે ગામ વ્યવસ્થા કરવી પડશે તો જ લોકોને રસીકરણનો લાભ મળશે અને ત્રીજુ લહેર પહેલા ૭૦થી ૮૦ ટકા લોકોને વેક્સિનેશન કરી શકાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application