વલસાડનાં ઉમરગામ તાલુકાનાં સરીગામમાં આવેલી માંડા કોલોનીમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૧,૦૩,૨૦૦/-ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકા ભીલાડના સરીગામમાં આવેલી માંડા કોલોની, પ્લાસ્ટિક ઝોન સરીગામ જીઆઈડીસી આરસીએલમાં રહેતા સોનલબેન જોન બાબુરાવ સિંગારે નોકરી કરે છે.
સરીગામ બાયપાસ રોડ ઉપર આવેલી ભાનુ વિહાર સોસાયટીમાં તેમણે નવો ફ્લેટ ખરીદયો છે. થોડા દિવસોમાં નવા ફ્લેટમાં રહેવા જવાના હોવાથી થોડો સામાન લઈને તેઓ માતા સાથે મંગળવારે સાંજના સાડા પાંચેક વાગ્યે માંડા કોલોનીના ઘરે ગયા હતા. જ્યાં સામાન મુકીને એક રાત રોકાયા હતા. જ્યારે બીજા દિવસે નવા ફ્લેટનું કામ પૂરું કરી તેઓ માંડા કોલોની ખાતે આવતા તેમના ફ્લેટનાં મેઈન દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને દરવાજાને મારેલ તાળું નીચે પડયું હતું.
ઘરની અંદર જઈ તપાસ કરતા બેડરૂમનાં લોખંડનાં બે કબાટમાંથી એક કબાટને કોઈ સાધન વડે નકુચો તોડીને અને બીજા કબાટને ચાવી વડે ખોલી અંદર મુકેલો સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. ત્યારબાદ તસ્કરો સોનાના ઘરેણા તથા સોનાના સિક્કા, સોનાની બુટ્ટી, સોનાની બંગડી મળી કુલ જેની કિંમત રૂપિયા ૧,૦૩,૨૦૦/-ની ચોરી થઈ હોવાનું જણાયું હતું. બનાવ અંગેની ફરિયાદ સોનલબેને ભીલાડ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500