નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત 400 બિન શૈક્ષણિક કર્મચારીઓના ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ સરકારે એજન્સી મારફત જ ભરતી કરવાનો આદેશ કરતા ઇન્ટરવ્યુ રદ કરતા યુનિવર્સિટી કેમ્પસમાં ઉમેદવારોનો ભારે ધસારો થતા અફરાતફડી જોવા મળી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે જાહેરાત આપ્યા બાદ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા.
આ ઇન્ટરવ્યુના એક દિવસ અગાઉ શિક્ષણ વિભાગમાંથી પરિપત્ર જારી થયો હતો કે, રાજયની યુનિવર્સિટી ખાતે મંજુર થયેલી જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ માટે કામગીરીની જરૃરિયાતને આધારે બિન શૈક્ષણિક સંર્વગમાં સરકાર માન્ય એજન્સી દ્વારા જ 11 માસના કાર આધારિત તદ્ન હંગામી ધોરણે સેવાઓ લેવાની રહેશે. 11 માસનો કરાર પૂર્ણ થયા પછી કર્મચારીઓને તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે. ત્યારબાદ ફરી જાહેરાત આપીને ભરતી કરવાની રહેશે.
આ પરિપત્રના કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે જે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. તે ઇન્ટરવ્યુ રદ કરી દેતા યુનિવર્સિટી કેમ્પસમાં નોકરીની આશાએ આવેલા દક્ષિણ ગુજરાતના ઉમેદવારો નિરાશ થઇને પાછા જવુ પડયુ હતુ. કેટલાક ઉમેદવારોએ યુનિવર્સિટી કેમ્પસમાં આ વાતને લઇને વિરોધ પણ કરતા અફડાતફડી થઇ હતી જોકે પછીથી આખો મામલો શાંત થઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500