ગુજરાતમાં વિપક્ષ પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં વર્ગ -1 તેમજ વર્ગ-2ની ભરતી પ્રક્રિયા રદ કરવા માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા માહિતી ખાતાની ભરતીમાં ઈન્ટરવ્યૂમાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે મંગળવારે માહિતી ખાતામાં ક્લાસ વન અને ટુ અધિકારીની ભરતી પ્રક્રિયા સામે સ્ટે આપવાનો વચગાળાનો આદેશ આપ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યના માહિતી ખાતામાં અયોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા ભરતી પ્રક્રિયા રદ કરવા માંગ કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, શાસક ભાજપના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘનિષ્ઠતા ધરાવતા કેટલાક લોકોને લાગવગથી ભરતી કરવા નિયમો નેવે મુકવામાં આવ્યા છે. સામાન્ય રીતે ક્લાસ વન અને ટુ અધિકારીઓની નિમણૂક માટે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મોઢવાડિયાએ કોંગ્રેસ ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારે સરકારી ઠરાવ દ્વારા એક કમિટીનું ગઠન કર્યું જે કાયદાની વિરુદ્ધ છે અને આ ભરતી કરી છે. સરકાર પાસે પોતાનું માળખું હોવા છતાં લેખિત પરીક્ષા યોજવા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર પણ ગેરરીતિ પણ આચરાઈ હોવાની આશંકા છે જેથી તમામ કેન્દ્રો પરના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ.
લેખિતમાં ઓછા માર્ક હોય તેવા ઉમેદવારને પણ ઈન્ટરવ્યૂમાં 100 માંથી 70 માર્ક આપવામાં આવ્યા
ક્લાસ વનની આઠ જ્યારે ક્લાસ ટુની 15 જગ્યા માટે 1,200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જે પૈકી 108 ઉમેદવારોને ફાઈનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. ઈન્ટરવ્યૂ માટે રચાયેલી પાંચ સભ્યોની કમિટીમાં ત્રણ નિવૃત્ત સરકારી અધિકારીઓ જેમને એક્સટેન્શન અપાયું તેનો સમાવેશ કરાયો હતો. ચેરમેન અને અન્ય નિષ્ણાતો આ પ્રક્રિયા માંથી ગાયબ રહ્યા હતા. ફક્ત ત્રણ લોકોએ અંતિમ ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી. આ પ્રક્રિયામાં અનામતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નહતું. લેખિતમાં ઓછા માર્ક હોય તેવા ઉમેદવારને પણ ઈન્ટરવ્યૂમાં 100 માંથી 70 માર્ક આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ કર્યો હતો. જેને પગલે કોંગ્રેસના નેતાએ આ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરી જીપીએસસી હેઠળ નવેસરથી ભરતી કરવાની માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500