ભારતયી સૈન્યની ત્રણેય સેવાઓ ભૂમીદળ, નૌકાદળ અને હવાઈ દળમાં ટૂર ઓફ ડયુટી/અગ્નીપથ યોજના હેઠળ ભરતીની નવી વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફારની દરખાસ્ત કરાઈ છે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા બધા જ સૈનિકોને ચાર વર્ષની સેવા પછી નિવૃત્ત કરી દેવાશે. ત્યારબાદ એક મહિનામાં માત્ર 25 ટકા સૈનિકોની પૂર્ણ સેવા માટે ફરીથી ભરતી કરાશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ વર્તૂળોએ જણાવ્યું હતું કે, ટૂર ઓફ ડયૂટીના અંતિમ ફોર્મેટ અંગે ખૂબ ચર્ચા થઈ છે અને કેટલાક નવા સૂચનો કરવામાં આવ્યા છે અને તે સ્વીકારવામાં આવે તેવી સંભાવના છે.
વધુમાં નવી ભરતી યોજનાની જાહેરાત નજીકના સમયમાં કોઈપણ દિવસે થવાની શક્યતા છે. ભારતીય સૈન્યમાં ભરતીની નવી યોજના હેઠળ શરૂઆતમાં એવી દરખાસ્ત કરાઈ હતી કે, કેટલાક ટકા સૈનિકોને તાલિમ સહિત ત્રણ વર્ષની સેવા પછી નિવૃત્ત કરાશે. કેટલાકને કોન્ટ્રાક્ટ આધારિત સેવાના પાંચ વર્ષ પછી નિવૃત્ત કરાશે અને માત્ર 25 ટકા સૈનિકોને પૂર્ણ સેવા માટે જાળવી રાખવામાં આવશે. જોકે, હવે નવા પ્રસ્તાવમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ચાર વર્ષની નોકરી પૂરી થયા પછી બધા સૈનિકોને નિવૃત્ત કરી દેવાશે.
જોકે, નિવૃત્તિના લગભગ 30 દિવસની અંદર 25 ટકા સૈનિકોની ફરી ભરતી કરાશે. તેઓ સૈન્યમાં જોડાતા તેમને એક નવી તારીખ અપાશે. તેમની પાછલા ચાર વર્ષની કોન્ટ્રાક્ટયુઅલ સેવાને વેતન અને પેન્શન નિશ્ચિત કરવા માટે તેમની પૂર્ણ સેવામાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એવામાં સરકારને મોટી રકમની બચત થવાની આશા છે. સૂત્રોનું કહેવું છે કે, ત્રણે સેવામાં સૈનિકોના ચોક્કસ ટ્રેડ માટે કેટલાક અપવાદો હશે, જેમાં તેમની નોકરીની ટેકનિકલ પ્રકૃતિના કારણે તેમને ચાર વર્ષની કોન્ટ્રાક્ટ સેવાથી અલગ રાખી શકાશે, તેમાં આર્મી મેડિકલ કોર્પ્સના કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે.
એક પ્રસ્તાવ એવો પણ હતો કે ટેકનિકલ ટ્રેઈન્ડ સૈનિકોની સીધી જ ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાંથી ભરતી કરવી જોઈએ, જેથી તેમની ટેકનિકલ તાલિમ પર વધુ સમય પસાર ન કરવો પડે. આર્મી ટ્રેઈનિંગ કમાન્ડને આ સંદર્ભમાં એક અભ્યાસ હાથ ધરવાનું કામ સોંપાયું હતું, પરંતુ તેના પરિણામો હજુ સુધી જાણી શકાયા નથી.
ભારતીય સૈન્યમાં લગભગ બે વર્ષથી કોઈ ભરતી ન થઈ હોવાના કારણે પારંપરિક ભરતીની ઈચ્છા રાખતા યુવાનો ચિંતિત થઈ ગયા છે. ભરતીમાં વિલંબના કારણે હરિયાણા, પંજાબમાં દેખાવો પણ શરૃ થઈ ગયા છે. સેંકડો યુવાનોને ડર છે કે, સરકાર ફરીથી ભરતી ખોલવાનો નિર્ણય લેશે ત્યાં સુધીમાં તેમની વય વધી ન જાય. હરિયાણામાં સૈન્યમાં ભરતી ન થઈ શકવા અને વધુ વય થઈ જવાના કારણે હતાશામાં કેટલાક યુવાનોએ આત્મહત્યા કરી લીધી હોવાના કેસ પણ સામે આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500