દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે મોદી સરકાર સતત નવા નવા પગલાં લઇ રહી છે. આ જ દિશામાં હવે સરકારે કણકી ચોખાની નિકાસ પર રોક લગાવી છે. તેની સીધી જ અસર સમગ્ર દુનિયા પર પડશે કારણ કે ભારત કણકી ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તે ઉપરાંત સરકારે અલગ અલગ પ્રકારના ચોખા પર 20 ટકા ડ્યૂટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે ચોખાની વધતી કિંમતોને અંકુશમાં રાખવા માટે લીધો છે. તેનાથી દુનિયામાં ખાદ્યાન્નની મોંઘવારી વધવાની શક્યતા વધી છે.
દુનિયામાં ખાદ્ય સંકટ ઘેરું બન્યું
ભારત સમગ્ર વિશ્વના કુલ 150 દેશોને ચોખાની નિકાસ કરે છે. વિશ્વને ચોખા ઉપલબ્ધ કરાવવામાં ભારતનો હિસ્સો 40 ટકા છે. યુરોપના અનેક દેશોમાં ગરમી તેમજ રશિયા-યુક્રેન યુદ્વને કારણે ઉત્પન્ન થયેલું ખાદ્ય સંકટ આ નિર્ણય બાદ વધુ ઘેરું બનશે. ભારત સરકાર દ્વારા ચોખાના અલગ અલગ પ્રકાર પર વધારવામાં આવેલી ઇમ્પોર્ટ ડ્યૂટીને કારણે દુનિયાભરમાં ચોખાની કિંમતમાં વધારો જોવા મળશે. ભારતના કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધના પગલાંથી થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પર ચોખાની નિકાસનું દબાણ વધશે. કણકી ચોખાની નિકાસમાં રોક બાદ ગરીબ આફ્રિકન દેશોમાં ખાદ્ય સંકટ પેદા થઇ શકે છે. તે ઉપરાંત ચીન પણ ભારતના ચોખાનું મોટું આયાતકાર હોવાથી આગામી દિવસોમાં ત્યાં પણ ચોખાની અછત સર્જાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે સમગ્ર દુનિયામાં ભારતમાંથી 40 ટકા ચોખાની નિકાસ થાય છે. ત્યારબાદ થાઇલેન્ડ, વિયેતનામ અને મ્યાનમારનો નંબર આવે છે. પાકિસ્તાનમાં પણ આવેલા ભીષણ પૂરને કારણે વેરાયેલા વિનાશને કારણે વૈશ્વિક સપ્લાયમાં અડચણ આવી શકે છે. અનેક દેશોમાં ચોખાની અછત સર્જાઇ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500