જમ્મુકાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને ૨૯ એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. બીજીબાજુ પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-૨૦ દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી અને પહલગામ આતંકી હુમલા અંગે વિસ્તારથી માહિતી આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, સરકારે બધા જ પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. ભારતમાં હાલમાં જે પણ પાકિસ્તાની નાગરિકોને છે તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે ૨૭ એપ્રિલ પહેલા જ પાકિસ્તાન જતા રહેવું જોઈએ.
વધુમાં જે પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વિઝા અપાયા છે તેમણે ૨૯ એપ્રિલ સુધીમાં ભારત છોડી પોતાના દેશ પાછા ફરવાનું રહેશે. બીજી બાજુ ભારતીય નાગરિકોને પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે. સાથે જ પાકિસ્તાનમાં જે ભારતીયો છે તેમને પણ તાત્કાલિક ભારત પાછા ફરવા નિર્દેશ અપાયા છે. ભારત સરકારે અટારી-વાઘા સરહદ બંધ કરવાના કારણે પાકિસ્તાની નાગિરકો સ્વદેશ પાછા ફરવા લાગ્યા છે. વાઘા સરહદે પાકિસ્તાની નાગરિકોનો જમાવડો થવા લાગ્યો છે. કરાચીના એક પરિવારે કહ્યું કે, તેઓ સંબંધીઓને મળવા ૪૫ દિવસનો વિઝા લઈને હજુ ૧૫ એપ્રિલે જ ભારત આવ્યા હતા, પરંતુ હવે તેમણે પાછા ફરવું પડી રહ્યું છે. તેમણે પહલગામ હુમલાની ટીકા કરતા કહ્યું, જે થયું તે સંપૂર્ણપણે ખોટું થયું છે.
બંને દેશો વચ્ચે પરસ્પર ભાઈચારો અને મિત્રતા રહેવી જોઈએ. અમે નફરત નથી ઈચ્છતા. મંસૂર નામના અન્ય એક પાકિસ્તાની નાગરિકે કહ્યું કે તે પરિવાર સાથે ૧૫ એપ્રિલે ૯૦ દિવસના વિઝા પર ભારત આવ્યો હતો, પરંતુ હવે તેમણે આજે પાછા ફરવું પડી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-૨૦ દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમને પહલગામમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાયેલા આતંકી હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન, યુરોપીયન યુનિયન, ઈટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોના ટોચના રાજદૂતો સાથે સાઉથ બ્લોક સ્થિત વિદેશ મંત્રાલયની ઓફિસમાં બેઠક યોજાઈ હતી.
આ સિવાય સરકારે પાકિસ્તાનની વેબસાઈટ અને એક્સ એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દીધા છે, જેને પગલે હવે ભારતમાં પાકિસ્તાનની કોઈપણ પોસ્ટ જોવા નહીં મળે. બીજી બાજુ પહલગામમાં આતંકી હુમલાના પડઘા હજુ શાંત નથી પડયા ત્યાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક સર્ચ ઓપરેશન સમયે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની એક અથડામણમાં આર્મીની સ્પેશિયલ ફોર્સના એક જવાન શહીદ થઈ ગયા હતા. ઉધમપુરના ડુડુ-બસંતગઢ વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળતા જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે આતંકીઓએ જવાનો પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં સ્પેશિયલ ફોર્સિસના ૬ પેરાના હવાલદાર ઝન્તુ અલિ શેખ શહીદ થઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500