આવકવેરા વિભાગે કર્ણાટક સ્થિત રિયલ સ્ટેટ ડેવલોપર્સ સાથે જોઇન્ટ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ કરનારા કેટલાક લોકોના પરિસરોમાં દરોડા પાડીને 1300 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પકડી પાડયું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. બેંગાલુરુ, મુંબઇ અને ગોવામાં 50 પરિસરોમાં 20 ઓક્ટોબર અને 2જી નવેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતાં. અત્યાર સુધીની તપાસમાં 1300 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પકડવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 24 કરોડ રૂપિયાથી વધુના સોનાના ઘરેણા અને રોક્ડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિનું ઘડતર કરે છે. સીબીડીટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ આવકવેરા વિભાગ વેચાણ દસ્તાવેજો, ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ અને ઓક્યુપન્સી સર્ટિફીકેટ (ઓસી) સાથે સંકળાયેલા પુરાવા પણ જપ્ત કર્યા છે.
સીબીડીટીએ જણાવ્યું છે કે આ પુરાવા દર્શાવે છે કે, જમીનનાં માલિકોએ જમીનનાં વિકાસ માટે ટ્રાન્સફર કરવામાં આવેલ જમીનમાંથી મળેલ કેપિટન ગેઇનમાંથી થયેલ આવક જાહેર કરી નથી. કેપિટલ ગેઇનની આવક થઇ હોવા છતાં કેટલાક લોકોએ અનેક વર્ષો સુધી આવકવેરા રિટર્ન ભર્યા નથી. જ્યારે આ અંગેની તપાસ કરીને તેમને પૂછવામાં આવ્યું હતું કે તો તેમણે આ અંગેનો સ્વીકાર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500