સુરત મ્યુનિ.એ સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી-2021નો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે અને 2025 સુધીમાં સુરત શહેરના રસ્તા પર 40 હજારથી વધુ ઈ-વ્હીકલ દોડે તે મુજબનું આયોજન કર્યું છે. આ સાથે જ શહેરમાં ઈ-વ્હીકલની સંખ્યામાં સતત વધારો થતાં હવે પાલિકાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ ટેન્ડર પ્રક્રિયા વેળાસર પુરી થાય અને આગામી બે માસમાં શહેરમાં 25 જેટલા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બની જાય તે માટે પાલિકાએ કવાયત શરૂ કરી છે.
સુરતમાં પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટેની કામગીરી શરૂ કરી છે. ઇલેક્ટ્રીક વ્હીકલ માટે ટેક્સ અને પાર્કિંગમાં લાભ અંગેની પોલીસી બન્યા પહેલા સુરતમાં ઈલેક્ટ્રીક વ્હીકલની સંખ્યા 147 હતી તે વધીને 5631 થઇ છે. વર્ષ-2030 સુધીમાં શહેરમાં 11 લાખ ઈલેક્ટ્રીક વાહનો દોડતા હોય તેવું મ્યુનિ. તંત્ર આયોજન છે.
શહેરમાં વાહનોની સંખ્યા વધતા તેના માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા પણ ઉભી કરવી જરૂરી છે. પાલિકાએ સ્લો ચાર્જિંગ અને ફાસ્ટ ચાર્જિંગ એમ બે કેટેગરીમાં ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડયા છે. ફાસ્ટ ચાર્જિંગમાં એક કલાકમાં વાહનની બેટરી ચાર્જ થશે અને સ્લો ચાર્જીંગ સ્ટેશનમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગશે.
આ અંગે મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું હતું, પાલિકાની મિલકતમાં જ્યાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે ત્યાં ઝડપી સ્ટેશન શરૂ થઈ જશે. જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં સ્ટેશન શરૂ કરવા માટે સુવિધા ઉભી કરવા માટે સમય લાગશે. પરંતુ પાલિકા કચેરી, બ્રિજ નીચે કે અન્ય મિલકતમાં 25 જગ્યા નક્કી કરી છે તે જગ્યાએ આગામી બે માસમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ થાય તે માટે આયોજન થઈ રહ્યં છે અને આ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ ઝડપી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500