ભારતના અસંખ્ય શહેરોમાં તાપમાનનો પારો 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી જતાં હાહાકાર મચી ગયો હતો. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ આકરા તાપથી કાળો કેર વર્તાયો હતો. બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદથી બેનાં મોત થયા હતા. ઝારખંડમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. કેરળમાં વરસાદની શક્યતા હોવાથી એલર્ટ જારી કરાયો છે. પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં શહેરો આકરા તાપમાં ભઠ્ઠી બન્યા હતા. દિલ્હીમાં તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચી ગયો હતો. મંગેશપુરમાં 47, પિતમપુરમાં 45.8, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 46.9, ઝફરપુરમાં 45 ડિગ્રી તાપમાન દર્જ થયું હતું.
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓરેન્જ, યલ્લો અને રેડ એલર્ટ જારી કર્યો છે. દિલ્હીમાં ભારે ગરમી વચ્ચે પાણીની કટોકટી શરૃ થઈ છે. હરિયાણામાંથી પાણી ન છોડાતા, તેમ જ યમુનામાં પૂરતો જથ્થો ન હોવાથી દિલ્હીના ઘણાં વિસ્તારમાં પૂરતું પાણી મળ્યું ન હતું. નેશનલ ઓશેનિયન એન્ડ એટમોસફિયર એડમિનિસ્ટ્રેશનના આંકડાં પ્રમાણે ભારત અને પાકિસ્તાનના 15 સ્થળોએ તાપમાનનો પારો 47 થી 50 દર્જ થયો હતો. આ સ્થળોએ ગરમીનો હાહાકાર જોવા મળ્યો હતો. 47 થી 50 ડિગ્રી તાપમાનમાં ભારતના 10 અને પાકિસ્તાનના પાંચ સ્થળો નોંધાયા હતા. પાકિસ્તાનના જકોકાબાદમાં 50 ડિગ્રી પારો થયો હતો.
પાક.નું જ સીબી 49 ડિગ્રીથી શેકાયું હતું. ત્રીજા નંબરે ભારતમાં રાજસ્થાનનું ગંગાનગર હતું, જ્યાં 48.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભારતમાં સૌથી વધુ તાપમાન ગંગાનગરનું હતું. ચોથા નંબરે ફરીથી પાકિસ્તાનનું નવાબશાહ હતું, જ્યાં 48 ડિગ્રી તાપમાન દર્જ થયું હતું. ભારતનું નોગાંગ 48 ડિગ્રી સાથે પાંચમા ક્રમે હતું. છઠ્ઠા-સાતમાનંબરે વળી પાકિસ્તાનનાં રોહિરી અને પાદઈદાન હતાં. આઠમા ક્રમે ભારતનું 47.8 ડિગ્રી સાથે બાડમેર, નવમા નંબરે પિલાની, જ્યાં 47.7 ડિગ્રી તાપમાન હતું. 47.6 ડિગ્રી સાથે ઝાંસી દસમા ક્રમે હતું.
ભારત અને પાકિસ્તાનમાં નોંધાયેલો તાપમાનનો આ રેકોર્ડ ખૂબ જ આશ્વર્યજનક હોવાનું પણ અહેવાલમાં કહેવાયું હતું. માણસની ગરમી સહન કરવાની ક્ષમતાનું જાણે પરીક્ષણ થઈ રહ્યું હોય એમ લાગે છે એવું અહેવાલમાં નોંધાયું હતું. બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદથી બેનાં મોત થયા હતા. ઝારખંડમાં પણ વીજળી સાથે વરસાદી ઝાપટાં નોંધાયા હતા. બંગાળની ખાડીમાં બદલાયેલા વાતાવરણના કારણે કેટલાક વિસ્તારોમાં તીવ્ર હવા ચાલવાની શક્યતા છે અને વરસાદી ઝાપટાં પણ પડશે. કેરળના ઈર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનો એલર્ટ જારી કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500