Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આ શાળાના સંચાલકોએ તંત્રને ગેરમાર્ગે દોરવા ગૌચરની જમીન માંગી : અધિકારીઓ શાળા સંચાલકોને ઓળખી લે તે જરૂરી બન્યું

  • September 21, 2021 

સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલી જ્ઞાનતીર્થ એકેડમી મુદ્દે તાપીમિત્ર અખબારમાં અનેક અહેવાલો પ્રસિદ્ધિ કરવામાં આવ્યા અને તંત્રનું ધ્યાન દોરવામાં છે. એવું પણ નથી કે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. તપાસ પણ કરવામાં આવી છે અને જ્ઞાનતીર્થ એકડેમીના સંચાલકોનો જવાબ પણ લેવામાં આવ્યો છે. જોકે એકેડમીના સંચાલકોએ શાળા માટે જમીન ફાળવ્યાના કે બાંધકામની મંજુરીના કોઈ આધાર-પુરાવા રજુ કરી શક્યા ન હોવાનું તંત્રની તપાસમાં બાહર આવ્યું છે. તેમછતાં આ શાળાના સંચાલકોએ તંત્રને ગેરમાર્ગે દોરવા માટે ગૌચરની જમીન માંગણી કરી હોવાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે તંત્રના પ્રમાણિક અધિકારીઓ આવા શાળા સંચાલકોને ઓળખી લે તે પણ જરૂરી બન્યું છે.

 

 

 

 

 

 

એકેડમીના સંચાલકો શાળા માટે જમીન ફાળવ્યાના કે,બાંધકામની મંજુરીના કોઈ આધાર-પુરાવા રજુ કરી શક્યા નથી. 

સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડેમી શાળાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર તરફથી કોઈ મંજુરી આપવામાં આવી નથી એ અમે નથી કહેતા ખુદ તાપી જિલ્લા શિક્ષણ વિભાગના વર્ષ 2016 ના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એકેડમીના સંચાલકો શાળા માટે જમીન ફાળવ્યાના કે,બાંધકામની મંજુરીના કોઈ આધાર-પુરાવા રજુ કરી શક્યા નથી. તમામ કાગળિયા પુરાવાઓ જિલ્લા કલેકટર,વ્યારા પ્રાંત,સોનગઢ મામલતદારના ટેબલો ઉપર ધૂળ ખાતા દમ તોડી રહ્યા છે. તેમછતાં આ ટેબલ સાચવતા અધિકારીઓ કાર્યવાહી કરવાના બદલે તપાસ નામના ઘોડા કાગળિયાં કાર્યવાહી પર દોડાવી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. એના એક નહી પરંતુ અનેક કારણો છે.

 

 

 

 

જ્ઞાનતીર્થ એકેડમી મુદ્દે તાપીમિત્રની તપાસમાં શું જાણવા મળ્યું ?? આ પણ વાંચો

તાપીમિત્રના અહેવાલ બાદ સફાળે જાગેલું વહીવટી તંત્રના નિવાસી અધિક કલેકટરે ગત તા.૨૪ જુન ૨૦૧૯ ના રોજ સોનગઢ ખાતે આવેલ જ્ઞાનતીર્થ એકેડમી બાબતે જિલ્લા શિક્ષણઅધિકારી અને સોનગઢ મામલતદારને પત્ર લખી શાળાનું બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવી રહેલ છે કેમ ? તથા શાળાનું બાંધકામ કરવા અંગે સક્ષમ અધિકારીઓની પરવાનગી મેળવવામાં આવેલ છે કે કેમ ? તે અંગેની તપાસ કરી માત્ર ૨ દિવસમાં અહેવાલ મોકલવા જણાવવામાં આવ્યું હતું.

 

પ્રાંત અધિકારીએ પણ કઇંક આવું જ કર્યું ગત તા.૧-જુલાઈ-૨૦૧૯ નારોજ જ્ઞાનતીર્થ એકેડમી બાબતે જિલ્લા શિક્ષણઅધિકારી અને સોનગઢ મામલતદારને પત્ર લખ્યો હતો અને માત્ર ૨ દિવસમાં અહેવાલ મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે ગત તા.૨૩ જુલાઈ ૨૦૧૯ નારોજ પ્રાંત અધિકારીએ કલેકટર અહેવાલ રજુ કરતા જણાવ્યું હતું કે, શાળા માટે જમીન ફાળવ્યાના કે બાંધકામની મંજુરીના કોઈ આધાર-પુરાવાઓ નથી. જેથી નિયમોનુસાર થવા વિનંતી છે. જેની જાણ સોનગઢ મામલતદારને પણ કરાઈ હતી.

 

નિવાસી અધિક કલેકટરએ ગત તા.૧-ઓગસ્ટ-૨૦૧૯ નારોજ ફરી એક પત્ર સોનગઢ મામલતદારને લખે છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્ઞાનતીર્થ એકેડમીના કામે બ્લોક નંબરમાં કેટલા ક્ષેત્રફળમાં બાંધકામ કરવામાં આવેલ છે. તે અંગેનો વિગતવાર હકીકતલક્ષી અહેવાલ પ્રાંત અધિકારી-વ્યારા મારફત દિન-૩ માં બિનચૂક મોકલી આપવા જણાવ્યું હતું.

 

પ્રાંત અધિકારીએ ગત તા.૨-નવેમ્બર-૨૦૧૯ નારોજ જિલ્લા કલેકટરને અહેવાલ રજુ કરતા જણાવ્યું હતુ કે, જ્ઞાનતીર્થ એકેડમી દ્વારા બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે.

 

નિવાસી અધિક કલેકટરએ ગત તા. ૮-નવેમ્બર-૨૦૧૯ ના રોજ સોનગઢ મામલતદારને જણાવ્યું હતું કે, જમીન કોના હુકમથી ક્યા હેતુ માટે ફાળવવામાં આવેલ છે ?? જમીનમાં પડેલ ફેરફાર નોંધોની નકલ સાથે પૂર્તતા કરવા જણાવ્યું હતું. એટલું નહી જમીનમાં થયેલ દબાણ કેટલા સમયથી ઉપસ્થિત થયેલ છે ? તેની વિગત પણ મંગાવી હતી.

 

સોનગઢ મામલતદારે ગત તા.૨૮-નવેમ્બર-૨૦૧૯ નારોજ પ્રાંત અધિકારીને રજુ કરેલ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, દબાણ દુર કરવાની કાર્યવાહી અગાઉ કરવામાં આવેલ નથી. જ્ઞાનતીર્થ એકેડમી દ્વારા બાંધકામ કરી દબાણ કરેલ છે.

 

પ્રાંત અધિકારીએ પણ ગત તા. ૭-ડીસેમ્બર-૨૦૧૯ નારોજ કઇંક આવો જ અહેવાલ જિલ્લા કલેકટરને આપ્યો હતો. જેમાં નીયમોનુસારની આપની કક્ષાએથી કાર્યવાહી કરવાની થાય છે. તેમ જણાવ્યું હતું.

 

કલેકટરએ પણ કઇંક આવું જ કર્યું, ગત તા. ૨૩-ડીસેમ્બર-૨૦૧૯ ના રોજ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ-વડોદરાના નાયબ કાર્યપાલક ઈજનેરને એક પત્ર લખી જણાવ્યું હતું કે,જમીનમાં ગેરકાયદેસર થયેલ જ્ઞાનતીર્થ એકેડમી અંતર્ગત શાળાનું બાંધકામ નિયમોનુસાર દુર કરાવવા આગળની જરૂરી કાર્યવાહી થવા તથા કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું. જોકે એ વાતને આજે દોઢ વર્ષથી વધુ થવા આવ્યો છે.

 

ગરીબ વ્યક્તિ જયારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની લારી/દુકાન/પાથરણું લઈને નગરપાલિકા અથવા સરકારી જમીન પર બેઠો હોય ત્યારે તંત્રના જવાબદાર અને પ્રમાણિક અધિકારીઓ ગરીબોની દુકાનો ઉપર કાયદાનો હથોડો ઝીંકે છે. જોકે અહી એક આખેઆખી સ્કુલ રૂપિયા કમાવવા માટે ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તંત્રના જવાબદાર અધિકારીઓની પ્રમાણિકતા મરી પરવારી છે. ?? અધિકારીઓમાં જરા પણ પ્રમાણિકતા બચી હોય તો જ્ઞાનતીર્થ એકેડમી નામની શાળાના બાંધકામ ઉપર કાયદાનો હથોડો ઝીંકી બતાવે તે જરૂરી બન્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application