સુરતમાં ઉજવાયેલા દશામાનાં તહેવારની ઉજવણી પુરી થતાં માતાજીની પ્રતિમા વિસર્જન પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. સુરત મ્યુનિ.એ શહેરમાં પાંચ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા, જેમાં 8177 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી એન.જી.ટી.નાં આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે કોઈ પણ પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
જોકે, આ પ્રતિબંધ છતાં પણ સુરતમાં દરેક તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવામા આવી રહી છે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મ્યુનિ. તંત્ર દર વર્ષે દશામા અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે તેમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ આ પ્રતિમાને સન્માનપૂર્વક દરિયામાં વિસર્જન કરવામાં આવે છે.
આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનુ ઘર આંગણે વિસર્જન કર્યું હતું. પરંતુ અન્ય લોકોએ વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી.
સુરત પાલિકાએ શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં પાંચ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. તેમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌથી વધુ દશામાની પ્રતિમાનું વિસર્જન કતારગામ લંકા વિજય ઓવારા ખાતે 3367 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જ્યારે અઠવા ઝોનમાં ડુમસ ખાતે સૌથી ઓછી 423 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500