સ્માર્ટ સિટી અને મેટ્રો સીટી તરફ દોટ મુકી રહેલું સુરત હવે સ્લમ ફ્રી સિટી બનાવવા જઈ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં સુરત શહેરમાં પંદરેક ટકા જેટલો સ્લમ વિસ્તાર ઘટયો છે. વર્ષ 2011માં સુરતમાં 20.87 ટકા વિસ્તાર સ્લમ હતો. પરંતુ સરકારની વિવિધ યોજના હેઠળ આવાસ બનતાં સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થયો છે. કેન્દ્રની યુપીએ સરકારની જે.એન.યુ.આર.એમ. યોજના સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટેનું બળ આપી ગઈ હતી. આ યોજના હેઠળ સુરતના તાપી નદીના કિનારે વસેલી બાપુનગર નામની સુરતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ઉપરાંત ગોપીતળાવ ઝુંપડપટ્ટી સહિત શહેરની અનેક ઝૂંપડપટ્ટીનું સ્ળાંતર શક્ય બન્યું હતુ.
આ યોજના શરૂ થઈ તે પહેલાં એટલે સુરતમાં 2011માં સ્લમ વિસ્તાર 20.87 ટકા હતો. પરંતુ જે.એન.યુ.આર.એમ. યોજના ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, વામ્બે આવાસ, એલ.આઈ.જી., ઇડબલ્યુએસ આવાસ સહિતના અનેક આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ શહેરમાં 94888 આવાસ બન્યા છે. જેના કારણે હાલ સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થઇ ગયો છે. અને આ આંકડો આગામી દિવસમાં વધુ ઘટવાની શક્યતા છે. સુરત મ્યુનિ. આગામી દિવસોમાં વધુ દસેક હજાર આવાસનો ડ્રો કરવા માટે આયોજન કરી રહી છે.
આ ઉપરાંત શહેરમાં આવાસ માટે 2.54 લાખ ચો.મી. જગ્યા અનામત છે, તેની નાની ક્વેરી છે તે દુર કરવામાં આવે તો 17547જેટલા આવાસ બની શકે તેમ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથે મેળવીને સુરત મ્યુનિ. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. અને સરકારી જગ્યામાંથી સ્લમ વિસ્તાર દુર કરવાની કામગીરી સરળ છે. પરંતુ ખાનગી જગ્યામાં બનેલી ઝૂંપડપટ્ટી સુરતને સ્લમ ફ્રી બનાવવા સામે મોટો પડકાર છે. જોકે, ખાનગી જગ્યામાંથી સ્લમ કેવી રીતે દુર કરી શકાય ? તે માટે મ્યુનિ. સરકાર સાથે મળીને નીતિ બનાવવા માટે વિચારણા કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500