ગાંધીનગર શહેરમાં આગામી દિવસમાં G-20ની બેઠક મળવાની છે જેને લઇ દબાણ શાખા દ્વારા ફરી લારી ગલ્લાનાં દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને શહેરનાં સેક્ટર-12 અને 16માંથી 30થી વધુ દબાણ હટાવી દેવામાં આવ્યા છે અને આગામી દિવસમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. પાટનગર ગાંધીનગર શહેરમાં માર્ગોની આસપાસ તેમજ સરકારની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં લારી ગલ્લાનાં દબાણો ઊભા થઈ ગયા છે.
જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન પણ સર્જાતો રહે છે. આ સ્થિતિને કારણે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસમાં મહાત્મા મંદિર ખાતે G-20ની બેઠક મળવાની છે જેને લઇ કાર્પોરેશન દ્વારા આજે શહેરના સેક્ટર-12 અને સેક્ટર-16 માં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત 30થી વધુ લારી ગલ્લાનાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેને જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
શહેરમાં આગામી દિવસમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે ત્યારે સેક્ટરોની અંદર પણ મોટા પ્રમાણમાં તાર ફેન્સીંગના દબાણો ઊભા થઈ ગયા છે. જે હટાવવામાં પણ સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. કેમકે આ તાર ફેન્સીંગના દબાણોને કારણે આંતરિક માર્ગો સાંકડા થઈ જાય છે અને અવારનવાર અકસ્માતની ઘટના પણ બનતી રહે છે. આ મામલે અનેકવાર કોર્પોરેશનને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આ દબાણો નહીં હટાવવામાં આવતા રહીશોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500