Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણ સ્થિત ધૂમકેતુ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૧૮માં ‘બાળ સંસદ’ની લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરાઈ

  • July 08, 2023 

બાળકના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમાપૂંજી ગણાય છે. એટલે જ આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યુ છે. બાળકોને શાળાકીય જીવનથી જ લોકશાહી પ્રણાલી, ચૂંટણી પ્રક્રિયા ખ્યાલ આવે અને તેમનામાં નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી રાજ્ય સરકારની પ્રેરણાથી તમામ નગર પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ના બાળકો માટે ‘બાળ સંસદ’ની રચના કરવામાં આવે છે. સુરત શહેરમાં આવેલી ન.પ્રા.શિ.સમિતિની કુલ ૩૨૭ શાળાઓમાં નિયમિતરૂપે બાળસંસદની રચના કરવામાં આવે છે, જેમાં શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરવામાં આવે છે. ‘બાળકોની, બાળકો માટે અને બાળકો વડે’ ચાલતી ‘બાળ સંસદ’ થકી બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને શિસ્તના ગુણોનું સિંચન કરવાનો આ પ્રેરક પહેલનો ઉમદા હેતુ છે.



અડાજણ પાટિયા સ્થિત ધૂમકેતુ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૧૮માં ‘બાળ સંસદ‘ની રચના માટે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને આચાર્યો સહિત તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મનપસંદ ઉમેદવારને વોટ આપ્યો હતો. ભારતીય લોકશાહી પદ્ધતિને આધારે બાળસંસદની ચૂંટણી જે રીતે ‘લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા’ ચાલતા શાસનને લોકશાહી કહેવાય છે અને લોકમતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમગ્ર દેશનું સંચાલન કરે છે. એ જ રીતે ‘બાળ સંસદ’ એ બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ છે. જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણી પ્રક્રિયા દ્વારા મંત્રી અને ઉપમંત્રી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પાણી, સફાઈ તથા રમત-ગમત મંત્રીની પસંદગી કરે છે. બાળકો શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર બને છે.



શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, બાળ સંસદની સમગ્ર પ્રક્રિયા લોકશાહી પદ્ધતિને આધારે થતી બાળકોને સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા લોકશાહી માળખાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. તેની પ્રક્રિયા, મહત્વ તેમજ ઉત્તરદાયિત્વ વિષે માહિતી આપી બાળકોને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, ઉમેદવારી નોંધાવી હોય તેવા બાળકોને પ્રચાર-પ્રસાર વિષે પણ માહિતગાર કરવામાં આવે છે. ચૂંટણીના ૩-૪ દિવસ પહેલાથી તેઓ શિક્ષકોની સાથે દરેક વર્ગમાં જઈ વોટ માટે અપીલ કરે છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેઓ ટેબલેટ મારફતે વોટિંગ કરાવે છે, જેમાં ઈવીએમ મશીનની જેમ જ ઉમેદવારના નામ સામે ફોટો હોય છે. જેમાં બટન પર ક્લિક કરતા ‘બીપ’નો અવાજ આવે છે અને તેમનો મત કાઉન્ટ થાય છે. સાથે જ બેલેટ પેપરની સુવિધા પણ છે.



પદભાર મળ્યા બાદ બાળકો પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરે છે. ‘બાળ સંસદ’ દ્વારા બાળકોમાં નેતૃત્વ, સહકાર, નિર્ણયો લેવાની ક્ષમતા અને સ્વયંશિસ્ત વિકસે છે, જે તેમના વ્યક્તિગત વિકાસમાં પણ ઉપકારક બને છે એમ આચાર્યએ ઉમેર્યું હતું. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વયસ્ક વ્યક્તિઓ કરતા બાળકોની ગ્રહણશક્તિ વધુ હોય છે. શાળાઓમાં મળતા પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે. રાજ્ય સરકારની આ આવકારદાયક પહેલથી બાળકોમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. જેથી નાનપણમાં જ કેળવાયેલા નેતૃત્વ, સંચાલન અને શિસ્તના ગુણો તેમનાં ઉજ્જવળ અને સફળ ભાવિ માટે મદદરૂપ નીવડે છે એમ આચાર્ય જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application