બિહારમાં મધુપુરાના ડી.એમ.ની કારની અડફેટે આવતા ત્રણ લોકોનાં મોત થયું હતું, જયારે બે લોકો ગંભીર પણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે ડી.એમ.ની ગાડી મધેપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ગાડી અનિયંત્રિત થઇ અને રોડ કિનારે કામ કરી રહેલા મજૂરોને કચડી નાંખ્યા હતા. આ દરમિયાન એક મજૂર, મહિલા અને તેની સાત વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટના બાદ ડી.એમ. અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપરનાં લોકોએ જણાવ્યા મુજબ, આ ઘટના આજે સવારે લગભગ 8 વાગ્યે બની હતી. અકસ્માત બાદ તરત જ ડી.એમ. અને તેમનો સ્ટાફ બાઈક પર સવાર થઇ ફરાર થઇ ગયા હતા. તેમણે જણાવ્યું કે, ગાડીએ પહેલા મહિલા અને બાળકીને ટક્કર મારી તે પછી રોડ પર કામ કરી રહેલા મજૂરને કચડી નાખ્યો હતો. આ મજૂરો રાજસ્થાનના રહેવાસી હતા.
બંને ઘાયલોને સારવાર માટે દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું. જયારે આ અકસ્માતમાં કુલ 3નાં મોત નીપજયાં છે. આ અકસ્માત બાદ તરત જ એકઠા થયેલા સેંકડો લોકોએ ડી.એમ.ની ગાડીને નુકસાન પહોંચાડ્યું અને NH-57ને બ્લોક કરી દીધું હતું. જયારે વાહનમાં સવાર લોકોની ધરપકડ કરવાની અને પીડિતોને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. આ ઘટના બાદ વારંવાર પ્રયત્ન કરવા છતાં ડી.એમ.નો સંપર્ક થઇ શક્યો ન હતો. જોકે મધેપુરાના જિલ્લા જનસંપર્ક અધિકારીઓનું કહેવું છે કે ડી.એમ. કચેરીમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500