Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંધ્રપ્રદેશમાં 'અસાની' વાવાઝોડા માટે IMDની ચેતવણી : પશ્ચિમ બંગાળમાં 12 ટીમો તૈનાત

  • May 11, 2022 

આંધ્રપ્રદેશમાં 'અસાની' વાવાઝોડુને લઈને હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. આ દરમિયાન પ્રદેશનાં કાકીનાડા જિલ્લાનાં કેટલાક વિસ્તારમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જોકે IMDનાં જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક કલાકો માટે ચક્રવાતના ઉત્તર પશ્ચિમ તરફ વધવાની અને આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠા નજીક બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે જ ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે, ચક્રવાત અસાની બુધવારે સવારે આંધ્રના કિનારે કાકીનાડા પહોંચવાની શક્યતા હતી.




ચક્રવાત સાથે સંકળાયેલી મહત્વની બાબતો

1.કાકીનાડાના થિમ્માપુરમ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રામા ક્રિષ્નાએ જણાવ્યું કે, દરિયા કિનારેનો રસ્તો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. અમે 2 ચેક પોસ્ટ લગાવીને ટ્રાફિકને તે તરફ જતા રોકી રહ્યા છે. અમે સંપૂર્ણપણે એલર્ટ છીએ. 

2.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 

3.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે ખૂબ જ તીવ્ર ચક્રવાત 'અસાની'નો સામનો કરવાની તૈયારીઓની તપાસ કરી હતી જે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાથી દૂર બંગાળની ખાડી ઉપર વધી રહ્યું છે. જ્યાં નાગરિકોની સહાયતા માટે બચાવ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી.



4.પશ્ચિમ બંગાળમાં 12 ટીમો તૈનાત કરવામાં આવી છે અને 5 ટીમોને તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડવા પર વધારાની ટીમો પણ મદદ માટે તૈયાર છે. 

5.ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત તા.11 મેના રોજ બપોર સુધી કાકીનાડ-વિશાખાપટ્ટનમ દરિયાકિનારા પાસે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે. ત્યારબાદ તે કાકીનાડ અને વિશાખાપટ્ટનમની વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા તરફ આગળ વધી શકે છે. 

6.IMDના જણાવ્યા પ્રમાણે, ચક્રવાતના કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 75-85 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 95 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ઓડિશાના દરિયાકાંઠા પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રફ્તાર સાથે પવન ફૂંકાવાનું અનુમાન છે.


7.ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ સચિવે કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓને સ્થિતિ પર સતત નજર રાખવા તથા કોઈ પણ પ્રકારની મદદ માટે આંધ્રપ્રદેશ તથા ઓડિશાના તંત્રના સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.

8.IMD ચક્રવાત પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અત્યાર સુધીમાં 20 રાષ્ટ્રીય બુલેટિન જારી કર્યા છે. તે સતત સ્થાનિક તંત્રને ચક્રવાતની સ્થિતિ વિશે માહિતગાર કરી રહ્યો છે અને લોકોના જીવ બચાવવાના ઉપાયો સૂચવી રહ્યો છે.

9.હવામાન વિભાગ કાર્યાલયે કહ્યું કે, પશ્ચિમ-મધ્ય અને તેમની નજીક દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રમાં ખૂબ જ તીવ્ર હળચળ બની રહેવાના અણસાર છે.

10.ઓડિશાના ખૂર્દા, ગંજામ અને પુરીમાં મંગળવારે સવારે પણ વરસાદ પડ્યો હતો. વિશેષ રાહત કમિશનર પી.કે.જેનાએ જણાવ્યું હતું કે, સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભારે વરસાદ અને તેના કારણે પાણી ભરાવાની સ્થિત ઉત્પન્ન થઈ શકે છે તથા ચાર દરિયાકાંઠાના જિલ્લાઓના 15 બ્લોકમાંથી લોકોને સ્થળાંતર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application