વાપીનાં છીરીમાં રહેતા સિવિલ કોન્ટ્રાકટરની દિકરીને લગ્ન કર્યાના થોડા સમયમાં નાની-નાની તકરાર કર્યા બાદ પતિએ કાઢી મુકી હતી. વળી એટલેથી સંતોષ ન થતાં પત્નીને બદનામ કરવાને ઈરાદે ખુદ પતિએ જ પત્નીના મોર્ફ કરેલા બિભત્સ ફોટા ફેક આઈ.ડી. બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આખરે ઘટનાની જાણ થતા દિકરીના પિતાએ વલસાડ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, છીરી ગામે રહેતા સિવિલ કોન્ટ્રાકટર ગણેશભાઇ (નામ બદલ્યુ છે)ની દિકરી રાજશ્રી (નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ ૨૦૨૩માં છીરીમાં રહેતા સુરજ સંતોષ કુરાડે નામના ઈસમ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ ઘરના કામકાજ જેવી નાની-નાની બાબતોને લઇ પત્ની સાથે ઝઘડો કરીને સુરજે તેણીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાબતે પિતા ગણેશભાઇએ જમાઈ સામે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ગત તા.૧૮-૦૬-૨૪ નારોજ ગણેશભાઈના વાપી ખાતે રહેતા ભાણેજ ગણપત (નામ બદલ્યુ છે)ના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર યોગેશના નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી રાજશ્રીના મોર્ફ કરેલા ફોટો અને બિભત્સ મેસેજ આવ્યા હતાં. જે બાબતે તેઓએ જે તે સમયે સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં અરજી આપી હતી. પરંતુ થોડા દિવસ બાદ એ આઈ.ડી. બંધ થઇ ગઈ અને અન્ય કોઇ મોર્ફ કરેલ ફોટો કે મેસેજ આવ્યા નહતાં. જેથી ગણેશભાઈએ આગળ કોઈ કાર્યવાહી કરી નહતી. પરંતુ ગત તા.૨૯-૧૧-૨૪ નારોજ વોટ્સ એપ નં.૯૧૫૭૩૨૫૨૩૬ ઉપરથી ગણેશભાઈના વોટ્સ એપ નંબર ઉપર તેમની દિકરી રાજશ્રી વિશેના બિભત્સ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી ભર્યા મેસેજ આવવા લાગ્યા અને થોડા સમયમાં ડિલીટ થઇ જતા હતાં.
જેથી ગણેશભાઈએ ગભરાઈને એ નંબર બ્લોક કરી દીધો હતો. તે પછી એ મોબાઈલ નંબર પરથી ગણેશભાઈના અન્ય સગા-સંબંધીઓને રાજશ્રી વિશેના બિભત્સ અને સમાજમાં બદનામ કરવાની ધમકીભર્યા મેસેજ આવવા લાગ્યા હતાં. જે બાદ ગત તા.૧૪-૦૨-૨૫ નારોજ ફરીથી એ જ વોટ્સએપ નંબરથી પરથી રાજશ્રીના મોર્ફ કરેલા ન્યુડ ફોટા ગણેશભાઇના સાળાના વોટ્સએપ ઉપર મોકલવામાં આવતા ગણેશભાઇએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ઉપરોક્ત મોબાઇલ નંબર વાપી ખાતે રહેતા ગણેશભાઈના જમાઈ સુરજ સંતોષ કુરાડેનો હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ પોલીસે ગણેશભાઈની ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500