પત્ની અને બાળકોને ભરણપોષણ ચૂકવામાં નિષ્ફળ ગયેલા સગરામપુરાના મુજાહિદ ઍહમદ દુધવાળાને કોર્ટે નવ માસ ની સજા ફટકારી છે. આ કેસમાં સોશિયલ મીડિયામાં રજુ કરેલા ફોટોગ્રાફસને પુરાવા તરીકે ગ્રાહ્ય ગણી કોર્ટે માસિક ૧૪,૫૦૦ રૂપિયા ભરણપોષણ નક્કી કર્યું હતું.
આ કેસની વિગત ઍવી છે કે, શહેરનાં નાનપુરા વિસ્તારમાં રહેતી નિલોફરબાનુને બે બાળકો સાથે તેના પતિ મુજાહિદ ઍહમદ ઇમ્તિયાઝભાઇ દુધવાળા (રહે.સગરામપુરા ) સહિત સાસરિયાઓઍ ગત તારીખ ૨૭-૧૦-૨૦૧૮નાં રોજ મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેણીઍ ઍડવોકેટ અશ્વિન જે.જાગડિયા મારફતે અત્રેની કોર્ટમાં ઘરેલું હિંસાનાં કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. આ કેસની સુનાવણી વખતે પતિ અને સાસરિયાઓ દ્વારા ફેસબુક, વ્હોટ્સઍપ,ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં શેર કરેલા હરવા-ફરવાના, મોજશોખ તથા મોંઘી કારમાં ફરવાના ફોટોગ્રાફસ રજૂ કરવામાં આવ્યા હતા.
જેને પુરાવા તરીકે ગ્રાહ્ના ગણી કોર્ટે પત્નીને માસિક રૂપિયા ૮ હજાર તથા સગીર પુત્રને રૂપિયા ૪ હજાર અને પુત્રીને રૂપિયા ૨૫૦૦ મળી કુલ રૂપિયા ૧૪,૫૦૦ની રકમ ભરણપોષણ પેટે ચૂકવવા પતિને હુકમ કર્યો હતો. જે રકમ નવ માસ સુધી ચઢી ગઇ હતી. જેથી રિકવરી વોરન્ટના આધારે મુજાહિદને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં બન્ને પક્ષકારો ને સાંભળ્યા બાદ કોર્ટે ૯ માસ ની સજા ફટકારી મુજાહિદને લાજપોર જેલ મોકલી આપ્યો હતો. પતિ મુજાહિદ દોઢ વર્ષ ઉપરાંતથી ખોરાકી ના ચૂકવવી પડે તે માટે નાસતો ફરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500