ઉત્તરપ્રદેશના કાનપુર-લખનઉ હાઈવે પર અજગૈન ક્ષેત્રમાં પરોઢિયે ભયાનક અકસ્માત સર્જાતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6.30 વાગ્યે મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક માર્શલ જીપ રોડવેઝ બસ સાથે અથડાતાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 ગંભીર રૂપે ઘાયલ છે. અકસ્માતના 20 મિનિટ બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. આ દુર્ઘટનાના કારણે આશરે એક કલાક સુધી હાઈવે જામ રહ્યો હતો. જીપ ડ્રાઈવરને ઉંઘનું ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાની જાણ થઈ છે. મધ્યપ્રદેશના ઈશાગઢ તથા શિવ
પુરીના 12 શ્રદ્ધાળુઓ માર્શલ જીપ મારફત મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતાં. જ્યાં સ્નાન બાદ તેઓ વારાણસી કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં રામલલાના દર્શન કરવાં ચિત્રકૂટ જઈ રહ્યા હતાં. તે સમયે અજગૈન ક્ષેત્રમાં ચમરોલી ગામ નજીક જીપ આગળ જઈ રહેલી મહોબા ડેપોની રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. જેમાં ઈશાગઢના રહેવાસી પિતા સુરેશ તિવારી (ઉ.વ.55) અને તેમની 30 વર્ષીય પુત્રી રાધા વ્યાસનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. મૃતક સુરેશ તિવારીના પત્ની ઓમવતી સહિત 10 લોકો ઘાયલ થયા હતા.
જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બે જણની હાલત ગંભીર થતાં તેમને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સીઓ હસનગંજ સંતોષ સિંહે ઘટનાની ખાતરી કરી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ઈટાવામાં દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહેલી ખાનગી બસ આગ્રા-કાનપુર નેશનલ હાઈવે પર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી જતાં એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, તેમને સામાન્ય ઈજા થઈ હોવાનું બકેવર પ્રભારી નિરિક્ષક ભૂપેન્દ્ર સિંહ રાઠીએ જણાવ્યું હતું. ખાનગી બસના ડ્રાઈવરને પણ ઊંઘનું ઝોકું આવી જતાં ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500