તૌકતે વાવાઝોડાએ દક્ષીણ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં કેળા અને ડાંગર તેમજ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કેળા તેમજ કેરીનો પાક અને ઉનાળુ ડાંગર તૈયાર થઈ ચૂક્યું હતું. ખેડૂત આ તૈયાર થયેલા પાકની ઉપજ લે તે પહેલાં જ વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. સુરત જિલ્લામાં 14 હજાર 577 હેક્ટર જમીનમાં ડાંગર, કેળા, શેરડી અને કેરીનો પાક તૈયાર હતો. જેને મોટાપાયે નુકસાન થયું છે હવે ખેડૂતો આ નુકસાની માંથી ઉભા થવા માટે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. જો યોગ્ય સહાય નહીં મળે તો ખેડૂત પાયમાલ થઈ જાય તેવી શકયતા છે.
બારડોલી ઉપરાંત કામરેજ, પલસાણા, ચોર્યાસી અને મહુવા વિસ્તારમાં કેળાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. હાલ કેળાનો પાક તૈયાર થઈ ગયો હતો. ભારે પવન અને વરસાદને કારણે કેળાની લૂમ સાથે છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા. મોટા ભાગના ખેતરોમાં કેળનો પાક ચોપટ થઈ ગયો છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ કોરોના કાળને કારણે ખેડૂત પહેલાથી પરેશાન છે ત્યારે બીજી તરફ વાવાઝોડાની આ કુદરતી આપત્તિએ ખેડૂતોની મુશ્કેલી ઓર વધારી દીધી છે.
વર્ષોથી કેળા પકવતા બારડોલીના ખેડૂત રાજેશ પટેલે જણાવ્યું હતું કે, કેળાના એક છોડને મોટો કરવા પાછળ ખેડૂતોએ 80 થી 100 રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે વાવઝોડામાં આખેઆખો છોડ જ તૂટી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે. સરકાર દ્વારા આપવામાં આવતી સીધી સહાય બાબતે તેમણે જણાવ્યું હતું કે, સરકારે વ્યવસ્થિત સર્વે કરી જ્યાં ખરેખર નુકસાન થયું છે તે ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. જેથી ખેડૂતોને થતું નુકસાન ભરપાઈ કરી શકાય. જ્યારે વણેસાના ખેડૂત હિતેશ પટેલે જણાવ્યુ હતું કે કેળના 4 હજાર છોડનું વાવેતર કર્યું હતું જેના પર કેળાંનો પાક તૈયાર થવાની અણી પર હતો અને વાવાઝોડાને પગલે 2 હજાર જેટલા કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા મોટું નુકશાન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500