મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, કાંગપોકપી જિલ્લામાં કૂકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોની સાથે ભારે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન એકનું મોત નિપજ્યું હતું અને જવાનો સહિત ૨૫થી વધુ લોકો ઘવાયા હતા. મણિપુરમાં ઘણા મહિનાઓ બાદ પરિવહન શરૂ કરાયો હતો અને સરકારી બસો દોડવા લાગી હતી. આ મૂક્ત અવર જવરનો શનિવારે પ્રથમ દિવસ હતો ત્યાં જ ફરી હિંસા ભડકી ઉઠી હતી. ઇમ્ફાલથી સેનાપતિ જિલ્લા તરફ જઇ રહેલી બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, વિરોધ પ્રદર્શન કરી રહેલા કૂકી સમુદાયના લોકોએ અનેક રોડ ખોદી નાખ્યા હતા સાથે જ ચક્કાજામ કર્યો હતો.
વિરોધ પ્રદર્શનને રોકવા માટે સુરક્ષાદળોએ આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો. જે બાદ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું અને દળો પર પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો, સાથે જ ખાનગી અને સરકારી વાહનોને આગ લગાવાઇ હતી. કેન્દ્ર સરકારના આદેશ બાદ મણિપુરમાં બસ અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી, મે ૨૦૨૩માં હિંસા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી પ્રથમ વખત મણિપુરના રોડ પર બસો દોડતી જોવા મળી હતી, જેમાં મોટાભાગની બસો ખાલી પણ હતી. સ્થિતિને થાળે પાડવાના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પ્રથમ દિવસે જ વિરોધ વંટોળ ફાટી નીકળ્યું છે. બીજી તરફ સ્થિતિને થાળે પાડવા અને શાંતિ માટે મૈતેઇ સમુદાયના લોકો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી.
જ્યારે કૂકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. મૈતેઇ સમુદાયના સંગઠન ફેડરેશન ઓફ સિવિલ સોસાયટી દ્વારા કૂકી બહુમત વિસ્તાર સેનાપતિથી કાંગપોકપી જિલ્લા સુધી માર્ચનું આયોજન કરાયું હતું. સામેપક્ષે કૂકી સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા, કૂકી સમુદાયના લોકોએ રોડ ખોદી નાખ્યા હતા અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. સામેપક્ષે સુરક્ષાદળો દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શનિવારે થયેલા આ ઘર્ષણમાં એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું હતું જ્યારે જવાનો સહિત ૨૫થી વધુ ઘવાયા હતા. ફરી સ્થિતિ કથળતા કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવો પડયો છે.
મણિપુરમાં મે ૨૦૨૩થી શરૂ થયેલી હિંસામાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે હજારો લોકો ઘવાયા છે અને વિસ્થાપિત થઇ ગયા છે. શનિવારની હિંસા બાદ કૂકી બહુમત વિસ્તારોમાં ફરી કરફ્યૂ લાગુ કરાયો છે. મણિપુરમાં સુરક્ષાદળો દ્વારા મોટા પાયે તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરુપે વધુ ૧૧૪ હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનોના સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૫૦ હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ કરાઇ હતી. ઉગ્રવાદીઓ અને નાગરિકોને હથિયારો જમા કરાવવા માટે બે સપ્તાહનો સમય અપાયો હતો, જે પૂર્ણ થયા બાદ તપાસ અભિયાન દરમિયાન ગ્રેનેડ, બંદુકો, વિસ્ફોટકો સહિત કુલ ૧૧૪ હથિયારો જપ્ત કરાયા હતા. જ્યારે બે સપ્તાહ દરમિયાન લોકોએ સામે ચાલીને આશરે એક બજારથી વધુ હથિયારો જમા કરાવ્યા છે. ૨૦મી ફેબુ્રઆરીથી આ અભિયાન રાજ્યપાલે શરૂ કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500