આખા દેશમાં અંગ દઝાડતી પ્રચંડ ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તો નાના બાળકો અને વૃધ્ધ લોકોને ઘરની બહાર નિકળવા સામે પણ ચેતવણી આપી છે. ગરમીએ 122 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવમાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર પશ્ચિમી અને મધ્ય ભારતમાં સરેરાશ તાપમાન 122 વર્ષમાં અનુક્રમે 35.90 ડિગ્રી અને 37.78 ડિગ્રી સાથે સૌથી વધારે રહ્યુ છે. દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતા 4 ડિગ્રી તાપમાન વધારે રહ્યુ છે. જોકે શુક્રવારે તાપમાનની વાત કરવામાં આવે તો આખા દેશમાં યુપીમાં બાંદામાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
આ સિવાય મહારાષ્ટ્રના ચંદ્રપુર તેમજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 46.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 45.4 ડિગ્રી, દિલ્હીના નઝફગઢમાં 45.9 ડિગ્રી તેમજ હરિયાણાના ગૂડગાંવમાં 45.9 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગનુ કહેવુ છે કે, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં હીટ વેવથી આગામી દિવસોમાં રાહત મળે તેમ નથી. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, રાજસ્થાન તેમજ એમપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
સમય પહેલા જ પડી રહેલી ગરમીના કારણે ભારત સહિત દક્ષિણ એશિયાના એક અબજથી વધારે લોકો ભયંકર ગરમી અને લૂના થપેડાનો માર સહન કરી રહ્યા છે. ડોકટરોનુ કહેવુ છે કે, કોરોના કરતા પણ અત્યારે વધારે ચિંતા લૂની છે અને લોકો ગરમીના કારણે વધારે બીમાર પડી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500