કોરોનાના વધી રહેલા કેસની ચિંતા ફરી દેશની આર્થિક રાજધાની મુંબઈને ઘેરી વળી છે. એક તરફ કેસ વધી રહ્યા છે અને બીજી તરફ પોઝીટીવીટી દર વધી 6 ટકા જેટલો થઇ ગયો છે એટલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કોવીડ માટે ટેસ્ટીંગ વધારવાના આદેશ આપ્યા છે. પોઝીટીવીટી એટલે એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય તો તેનો તેનો ચેપ કેટલા લોકોને લાગી શકે. અત્યારે 6 ટકાનો પોઝીટીવીટી રેટ હોવાથી એક વ્યક્તિથી અન્ય 6 વ્યક્તિ સુધી કોરોના ફેલાઈ શકે એવી ચિંતામાં ટેસ્ટીંગ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.
જોકે મંગળવારે મુંબઈમાં નવા 506 વ્યક્તિઓને કોરોના થયો હોવાનું જાહેર થયું છે જે ફેબ્રુઆરી પછી એક સાથે સૌથી વધુ કેસની સંખ્યા છે. એપ્રિલની સામે મે મહિનામાં મુંબઈના નવા કેસોની સંખ્યામાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. “શહેરમાં દૈનિક કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. વરસાદનું આગમન અને ચોમાસું શરૂ થતું હોવાથી કોરોનાના લાક્ષણિક કેસો પણ વધી શકે એવી શક્યતા છે,” એમ BMCએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, કોર્પોરેશને શહેરમાં 12 થી 18ની ઉંમરના લોકોના રસીકરણ પણ ઝડપી બનાવવા તેમજ જેમને બુસ્ટર ડોઝ બાકી છે તેવા લોકોને રસીકરણ આપવા માટેનું અભિયાન પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેસમાં ફરી વધારો થઇ શકે તો સારવાર માટે જંગી હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરવા માટે તેમજ આરોગ્ય કર્મચારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500