આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખી છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યાં છે. આ તરફ, આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યુ છે કે, 33 જીલ્લાના કર્મચારીઓ સોમવારથી ગાંધીનગરથી અંડિગા જમાવશે અને વિરોધ પ્રદર્શન જારી રાખશે. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.
હડતાળને એક સપ્તાહ થવા આવ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યુ છે. પાંચ વર્ષથી વધુ સમયથી નોકરી કરતાં કર્મચારીઓને સર્વિસ બ્રેકની ચિમકી અપાઈ છે જયારે અન્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવા આદેશ કરાયા છે. એવુ જાણવા મળ્યુ છે કે, વલસાડમાં તો 70 થી વધુ કર્મચારીઓને છુટા કરાયા છે જયારે પાટણ જીલ્લામાં કર્મચારીઓ સામે પગલાં લેવાયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગનું અલ્ટીમેટમ સોમવારે પૂર્ણ થવા જઈ રહ્યુ છે. આરોગ્ય વિભાગ હવે કડકાઈ સાથે પગલાં ભરે તેવી શક્યતા છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ પણ આરપારની લડાઈ લડવાના મતમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500