આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઈટ હેક કરીને રેલવેના તત્કાલ કોટામાંથી ટિકિટ બુક કરીને મુસાફરોને ઊંચા ભાવે વેંચવાનું કૌભાંડ પકડાયું છે. રેલવે પોલીસ ફોર્સે આ કેસમાં ઉત્તરપ્રદેશના આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. 30 લાખ રૂપિયાની ટિકિટનું કૌભાંડ બે વર્ષમાં થયું હતું. પોલીસને આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણીની શંકા છે. એ કેસમાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી મોઈનુદ્દીન ચિશ્તી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને નોઈડામાં રેલવે ટિકિટ બુકિંગની દુકાન ચલાવતો હતો. છેલ્લાં બે વર્ષથી એ રેલવેની વેબસાઈટ હેક કરીને તત્કાલ કોટામાં ગરબડો કરતો હતો.
તત્કાલ કોટાની ટિકિટો બુક કરીને ઊંચા ભાવે મુસાફરોને આપતો હતો. એવું કરીને આ આરોપીએ 30 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યાની શંકા છે. અહેવાલો પ્રમાણે આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઈટ હેક કરવા માટે આ આરોપી નેક્સસ, સિક્કાવીટુ અને બિગબોસ સહિતના ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો. આ સોફ્ટવેરની મદદથી આરોપીએ કેટલાય પ્રોફાઈલ ક્રિએટ કર્યા હતા અને તેમાંથી ટિકિટ બુક કરતો હતો. તેની મદદથી આરોપી વીઆઈપી અને તત્કાલ કોટાની ટિકિટ્સ સરળતાથી બુક કરી લેતો હતો.
અન્ય ઓનલાઈન યુઝર્સની સરખામણીએ તેને આ ગેરકાયદે સોફ્ટવેરની મદદથી ઝડપી એક્સેસ મળતો હતો, તેનો ગેરલાભ ઉઠીને એ ટિકિટ બુક કરતો અને એમાંથી ત્રણ-ચાર ગણી રકમ વસૂલતો હતો. રેલવે પોલીસના કહેવા પ્રમાણે આઈ.આર.સી.ટી.સી.નો કોઈ પણ એજન્ટ થર્ડ પાર્ટીના સોફ્ટવેરથી ટિકિટ બુક કરી શકે નહીં. એ રેલવેના નિયમોની વિરૂદ્ધ છે. રેલવે બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઈટનો જ ઉપયોગ કરવો પડે છે. તેનાથી રેલવેની ટિકિટ કોઈ બીજા નામે બુકિંગ ટ્રાન્સફર કરી શકાતી નથી, પરંતુ આ આરોપીએ બધી જ ગરબડો આચરીને કૌભાંડ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500