અમદાવાદમાં નિકોલમાં દાદી ૪ વર્ષના પૌત્રને લઇને સોસાયટીના ગેટ પાસે આવેલ ઓટલા ઉપર બેઠેલા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બંનેને ટક્કર મારી હતી. જેના કારણે દાદી દિવાલ અને કાર વચ્ચે ફસાઇ ગયા હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પૌત્ર કાર નીચે આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલકે બ્રેકના બદલે એક્સિલેટર દબાઇ જતા અકસ્માત થયો હોવાની શંકા આધારે વધુ તપાસ હાથ ધરી હતી. નિકોલમાં કાનબા હોસ્પિટલ નજીકની સોસાયટીમાં રહેતી મહિલા તા.૨૮ના રોજ તેમના ૪ વર્ષના પૌત્ર સાથે સોસાયટીના ગેટના બહાર ઓટલા ઉપર બેઠા હતા. આ સમયે એક કાર ચાલકે પૂરઝડપે કાર હંકારી હતી અને શોભાબેન અને પૌત્રને ટક્કર મારી હતી. જેના કારણે મહિલા દિવાલ અને કારની વચ્ચે ફસાઇ ગયા હતા જ્યારે પૌત્ર કારની નીચે આવી જતા બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી.
આસપાસના લોકોએ આવીને બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે મહિલાને મૃત જાહેર કર્યા હતા તેમજ પૌત્રને પગે સાથળના ઇજા થતાં સારવાર ચાલું છે. આ અંગે શોભાબેનના પતિએ કાર ચાલક સામે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં આરોપી ત્યાં ફ્લેટમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તે પરિવાર સાથે પરત આવતા હતા તે સમયે ગેટના ટર્નિગમાં બ્રેકના બદલે એક્સિલટર દબાઇ જતા અકસ્માત કર્યો હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500