મેડિકલ સોસાયટી હસ્તકની કોલેજોમાં તબીબોની ઘટ પુરવા માટે જ્યાં ઇન્સ્પેક્સન હોય ત્યાં તબીબી શિક્ષકોને અન્ય કોલેજમાંથી બદલવાની પ્રવૃત્તી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે જેના કારણે હાલની સ્થિતિએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબોનો દુષ્કાળ પડયો હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ગાયનેક અને મેડિસીન ડિપાર્ટમેન્ટમાં તો દર્દીઓની લાંબી લાઇનો હોય છે પરંતુ ત્યાં નિષ્ણાંત તબીબો જ હોતા નથી. જે જોખમકારક સાબીત થાય તેમ છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી હસ્તકની મેડિકલ કોલેજમાં તબક્કાવાર એમસીઆઇનું ઇન્સ્પેકશન આવી રહ્યું છે.
ત્યારે તબીબી શિક્ષકોની ઘટને કારણે સોસાયટી દ્વારા ઇન્સ્પેક્શન જ્યાં આવવાનું હોય ત્યાં ગાંધીનગર સહિતની કોલેજમાં તબીબી શિક્ષકોની બદલી કરવાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગાંધીનગર મેડિકલ કોલેજની સાથે સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરોની ઘટ ઉડીને આંખે વળગે છે. બેથી ત્રણ તબક્કામાં બદલી 50 જેટલા તબીબી શિક્ષકોની બદલી કરવામાં આવી છે જેના કારણે ગાંધીનગર મેડિકલ કોલેજમાં અગાઉ 300 બેડની જનરલ હોસ્પિટલ હતી. તે વખતે જેટલા ડોક્ટરો હતા તેટલા તબીબો પણ હાલ નથી.
તેમાં પણ ખાસ કરીને ગાયનેક અને મેડિસીન ડિપાર્ટમેન્ટમાં તબીબો નહીં હોવાને કારણે તેની સીધી અસર દર્દીઓ ઉપર પડી રહી છે. અહીં દર્દીઓની લાંબી લાઇનો હોય છે છતા નિષ્ણાંત તબીબો મળતા નથી. એટલુ જ નહીં દર વખતે નવા નવા ડોક્ટરો જ હોવાને કારણે દર્દીની ટ્રીટમેન્ટ ઉપર પણ તેની વિપરીત અસરો વર્તાઇ રહી છે. ગાંધીનગર સિવિલમાં ગાયનેક વિભાગની ઓપીડી વધુ રહે છે પરંતુ અહીં પણ હાલની સ્થિતિએ પુરતા ડોક્ટરો નથી અને જે ડોક્ટરો છે તેમના ઉપર કામગીરીનું ભારણ પણ વધી ગયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500