કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે ત્યારે હોસ્પિટલોમાં બાળકોના વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે તો બીજીબાજુ બાળદર્દીઓને ટ્રીટ કરવા માટેની તાલીમ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાઇ રહી છે.
લક્ષણો ધરાવતા બાળકોનું સેમ્પલ કલેક્શન કઇ રીતે કરવું અને તેમને કેવા પ્રકારની દવા આપવી તે બાબતની તાલિમ સિવિલ હોસ્પિટલના તમામ નર્સીંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરને આપવામાં આવી રહી છે. કોરોના ગાઇડલાઇન પ્રમાણે બાળદર્દીના માતા-પિતા સાથે કઇ રીતે વર્તન કરવું તેનાથી પણ સ્ટાફને માહિતગાર કરવામાં આવી રહ્યો છે.
કોરોનાની બીજી લહેરમાં આરોગ્યની સેવાઓ ટૂંકી પડતી જોવા અને અનુભવવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં આવનાર કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધુ આક્રમક અને ઘાતક હોવાની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી છે આવી સ્થિતિમાં બીજી લહેરમાં જેમ આરોગ્યની સેવા બાબતે લાચારી જોવા મળી તેવા દ્રશ્યો ન સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગોતરૃ આયોજન કરવામાં આવ્યું છે.
સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થવાની શક્યતા છે જેને પગલે રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે અને પિડીયાટ્રીક ડિપાર્ટમેન્ટને વધુ મજબુત બનાવવામાં આવ્યો છે. એટલુ જ નહીં, અન્ય વિભાગના સ્ટાફ પણ બાળદર્દીઓને આપવામાં આવતી ટ્રીટમેન્ટથી માહિતગાર થાય અને જરૃર પડે તેમનો પણ ઉપયોગ કરવામાં આવે તે માટે ટ્રેનીંગ સેશન રાખવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાલીમ વર્ગો શરૃ કરવામાં આવ્યા છે.
આ અંગે પિડીયાટ્રીક ડિપાર્ટમેન્ટના વડા ડો.એક્તા દલાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને પણ સંક્રમણ થવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે ત્યારે તમામ જીએમઇઆરએસ મેડિકલ કોલેજની સાથે ગાંધીનગરમાં પણ કોરોના વખતે બાળકોને આપવામાં આવતી સારવાર અંગે હોસ્પિટલના તમામ નર્સીંગ સ્ટાફની ટ્રેનીંગ યોજવામાં આવી રહી છે.
આ અઠવાડિક ટ્રેનીગ સેશનમાં તબક્કાવાર નર્સીંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરને બોલાવવામાં આવે છે તેમને બાળકોને કોરોના થાય ત્યારે કેવા પ્રકારના લક્ષણો હોય છે. ગંભીર પ્રકારના લક્ષણો કયા કહેવાય અને બાળકને સારવાર આપવાની હોય ત્યારે કઇ રીતે આપી શકાય તે બાબતે કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને પોઝિટિવ બાળકની સાર-સંભાળ કઇ રીતે લેવી, બાળકની નસ કેવી રીતે પકડવી, દવાનો ડોઝ કઇ રીતે નક્કી કરવો, સેમ્પલ કલેક્શ કઇ રીતે કરવું તથા તેને કયા પ્રકારનો ખોરાક આપવાથી લઇને ઓક્સિજન કેવી કંડીસનમાં કેટલો આપવો જોઇએ આ તમામ બાબતે વિગતવાર માહિતી અને તાલીમ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પોઝિટિવ બાળકના વાલીને કેવા પ્રકારની સુચના આપવી અને તેમની સાથે કેવું વર્તન કરવું તે અંગે પણ સ્ટાફને માહીતગાર કરવવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application