ઝારખંડનાં ગઢવા જિલ્લા ખાતેથી બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડમાં 2-4 નહીં પણ આશરે 3,000 યુવાનો પાસેથી 4-4 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને ધીરે-ધીરે પીડિતોને સમગ્ર ઠગાઈ અંગે જાણ થઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગઢવાનાં ડાલટનગંજ સ્થિત જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની સંસ્થાની ઓફિસ બહાર ગત તા.16 જૂન સુધી બેરોજગારોની ભારે ભીડ જામતી હતી. આ સંસ્થાએ આશરે 3,000 યુવાનો પાસેથી નોકરી અપાવવાના નામે 1.5 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા અને હવે તેને તાળા વાગી ગયા છે.
જયારે ડાલટનગંજમાં છેલ્લા 1 વર્ષથી આ સંસ્થાની ઓફિસ આવેલી હતી અને ગત તા.17 જૂનનાં રોજ અચાનક જ તે ઓફિસ બંધ થઈ ગઈ હતી. આ સંસ્થાએ 3,000થી પણ વધારે બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાનું સપનું બતાવીને તેમના પાસેથી કુલ 1.5 કરોડથી પણ વધારે રૂપિયા આંચકી લીધા હતા અને બાદમાં તેને તાળા વાગી ગયા છે. તેમણે ગઢવા શહેરના કાલી મંદિર પાસે પણ કલેક્શન સેન્ટર તરીકે એક રૂમ લીધો હતો જ્યાં 8 દિવસ સુધી અવર-જવર રહી હતી.
જોકે ઠગાઈનો ભોગ બનેલા યુવાનોએ જણાવ્યું કે, જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની તે સંસ્થા કેરળથી સંચાલિત થતી હતી. તેમાં હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી રજિસ્ટ્રેશન ફી તરીકે 750 રૂપિયા અને ડિપોઝિટ તરીકે 3,250 એમ કુલ 4,000 રૂપિયા શરૂઆતમાં અરજી સાથે લેવામાં આવ્યા હતા.
જ્યારે પ્રી હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી 375 રૂપિયા રજિસ્ટ્રેશન ફી અને 1,625 રૂપિયા ડિપોઝિટ તરીકે લેવામાં આવ્યા હતા. આમ, યુવક-યુવતીઓ પાસેથી ફોર્મ ભરવાના નામે 2-4 હજાર રૂપિયા ઉઘરાવીને ગત તા.17 જૂન 2022 નારોજ અચાનક જ સંસ્થાને તાળા વાગી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500