ખેડા જિલ્લાનાં તારાપુર મોટી ચોકડી પરથી ઇકો ગાડીમાંથી ભારતીય ચલણ જેવી જ આબેહૂબ દેખાતી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાના લખાણવાળી રૂપિયા ૫૦૦ના દરની ૩૪ બંડલ, કુલ ૧૭ લાખની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. સામાન્ય નાગરિકો સાથે ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચી બનાવટી નોટો લાવતા ચાર ઈસમો તારાપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તારાપુર પોલીસે તારાપુરના બે, ગીર-સોમનાથના ત્રણ, વડોદરા અને ગોધરાના એક-એક સહિત સાત ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે એસઓજીને સોંપ્યા છે.
તારાપુર પોલીસ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે સોજીત્રા તરફથી ઈકોમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો તારાપુર આવતો હતો. ત્યારે ઈકોને ઉભી રાખી ત્યારે ડ્રાઈવર સહિત ચાર ઈસમો સવાર હતા. ઈકોની તપાસ કરતા ડેકીમાંથી પેકિંગ કરેલા બોક્સ મળી આવ્યા હતા. જેમાં ભારતીય ચલણીનોટો જેવી આબેહૂબ જણાતી રૂપિયા ૫૦૦/-ના દરની નોટોના ૩૪ બંડલ, રૂા.૧૭ લાખની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નોટોનો જથ્થો મળ્યો હતો. બનાવટી નોટોના જથ્થા અંગે વધુ પૂછપરછ કરતા આરોપી રાજાભાઈ પટાટના કહેવાથી મિત્ર હરેશભાઈ રામજીભાઈ રાખોલીયાએ ૫૦ લાખ રૂપિયા વિજયકુમાર ગોસ્વામી તથા વડોદરાના મિત્ર તરબેઝ યુનુસ કુરેશી ઉર્ફે જીગ્નેશને આપ્યા હતા.
બદલામાં વિજય ગોસ્વામી તથા વડોદરા રહેતો તરબેજ કુરેશી ઉર્ફે જીગ્નેશે એક કરોડ રૂપિયાની બનાવટી નોટો આપવાનો વાયદો કર્યો હતો. જે વાયદા ના ભાગરૂપે તારાપુર ચોકડી પર આવી વિજય ગોસ્વામીના કહ્યા મુજબ બનાવટી નોટોના એક કરોડ રૂપિયા લેવા રાજાભાઈ પટાટ, પ્રકાશ વાળા તારાપુર ચોકડીથી ઈકો ભાડે કરી બાંધણીથી નોટો ભરેલા બોક્સ વિજય ગોસ્વામીની સૂચનાથી ભાવેશ લાખાભાઈ ભોઈ લઈ આવ્યો હતો. પોલીસ તપાસમાં ભારતીય ચલણ જેવી આબેહૂબ દેખાતી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાના લખાણવાળી ૧૭ લાખ રૂપિયાની નોટો એકબીજાની મદદગારી કરી, ગુનાહિત કાવતરું રચી, સામાન્ય નાગરિકોને ઠગાઈ કરવાના ઈરાદાથી લાવી ઝડપાઈ જતા તારાપુર પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દામાલ સહિત ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ માટે આણંદ એસઓજીને સોંપ્યા છે.
ઝડપાયેલ આરોપીઓ...
૧.પરમાર સુરેશભાઈ ફતેસિંહ, (મોરજ રોડ, તારાપુર),
૨.ગૌસ્વામી વિજયકુમાર મોહનપુરી, (ઠાકોર વાસ, ઇસનપુર, તા-તારાપુર)
૩.પટાટ રાજાભાઈ કાનાભાઈ, (ગામ-ગુંદરણ, તા- તલાલા જી.ગીર સોમનાથ) અને
૪.વાળા પ્રકાશકુમાર વિક્રમભાઈ, (પીપળવા વાડી વિસ્તાર, ગામ-પીપારડા, તા. તાલાલા, જિ. ગીર સોમનાથ).
ફરાર આરોપીઓ...
૧.તરબેઝ યુનુસ કુરેશી, (રહે.લુહાણ નેસડી, સાવરકુંડલા. હાલ રહે.મીમ સીટી ડભોઇ રોડ કપુરાઈ ચોકડી નજીક, વડોદરા),
૨.હરેશભાઈ રામજીભાઈ રાખોલીયા (શિવ મંદિર પાસે, રાતીધાર, તા.તાલાલા, જી.ગીર સોમનાથ) અને
૩.ભાવેશ લાખાભાઈ ભોઈ, (મૂળ રહે.ચકલાસી ભાગોળ, સલુણ દરવાજા, નડિયાદ. હાલ રહે.ગોધરા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500