સુરત શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતનો સિલસિલો યથાવત જોવા મળે છે. અડાજણમાં નહાવા ગયેલો 36 વર્ષનો યુવાન, લિંબાયતમાં 40 વર્ષનો યુવાન, કતારગામમાં હીરાના કારખાનામાં 49 વર્ષના આઘેડ અને અમરોલીમાં 39 વર્ષના યુવાનની તબિયત લથડતા બેભાન થયા બાદ મોત થયું હતુ. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ભાઠા ગામમાં બોમ્બે કોલોનીમાં પહેલું ઘર અને હાલમાં અડાજણમાં મધુવન સર્કલ પાસે એસ.એમ.સીના આવાસમાં રહેતો 36 વર્ષનો હિતેશ પ્રવીણભાઈ ઢોડીયા સાંજે બાથરૂમમાં નહાવા ગયો હતો.
તે સમયે અચાનક તેની તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હિતેશ મ્યુનિ.માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. બીજા બનાવમાં લિંબાયત રમાબાઈ ચોક પાસે રહેતો 40 વર્ષનો ઈરફાન મોહિદિન શેખને વહેલી સવારે ઘરમાં અચાનક પેટમાં દુઃખાવો થયો હતો. બાદમાં તે એકાએક બેભાન થઈ જતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઇરફાન લારીમાં ખમણ વેચાણ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્રો છે.
ત્રીજા બનાવમાં ચોક બજાર વરિયાવી બજાર ખાતે ઘાસ્તીપુરામાં રહેતા 49 વર્ષના મારૂતિભાઈ રામજીભાઈ મોરે શનિવારે બપોરે કતારગામ ખાતે રાધે ક્રિષ્ના એક્સપોર્ટ હીરાના કારખાનામાં સફાઈ કામ અને ચા બનાવવાનું કામ કરતા હતા. અચાનક તેમની તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. મારૃતિભાઈ મૂળ મહારાષ્ટ્રના વતની હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ચોથા બનાવમાં અમરોલી છાપરાભાઠા ખાતે વાત્સલ્યવિલા સોસાયટી ગીરધર એપાર્ટેમેન્ટમાં રહેતો 39 વર્ષનો રઘુ બહાદુરસંગ ગઢવી 7મીએ રાત્રે અમરોલીના છાપરાભાઠા ખાતે બાપા સીતારામ મઢુલી પાસે પગપાળા જતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજકોટના વતની હતો. તેને બે સંતાન છે. મ્યુનિ.માં બેલદાર તરીકે ફરજ બજાવતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500