મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં પૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન થયું છે. INSPACEનાં પ્રમુખ પવન કે ગોએન્કાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. તાજેતરમાં જ કેશબ મહિન્દ્રાને સંપત્તિનો અંદાજ લગાવનાર મેગેઝિન ફોર્બ્સ દ્વારા 2023ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ફોર્બ્સે જણાવ્યું હતું કે, તેઓ સૌથી વૃદ્ધ ભારતીય અબજોપતિ છે. 99 વર્ષીય કેશબ મહિન્દ્રાની સંપતિ 1.2 બિલિયન ડોલર આંકવામાં આવી હતો. કેશબ મહિન્દ્રાએ યુ.એસ.એ.ની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ વર્ષ-1947માં મહિન્દ્રા ગ્રુપમાં જોડાયા અને 1963માં કંપનીના ચેરમેન બન્યા હતા. કેશબ મહિન્દ્રાને કેન્દ્રીય ઉદ્યોગ સલાહકાર પરિષદ સહિત અનેક સમિતિઓમાં સ્થાન મળ્યું છે.
તેમણે સેલ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટલ્સ, આઈએફસી અને આઈ.સી.આઈ.સી.આઈ. સહિતની અનેક કંપનીઓના બોર્ડ અને કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. 2004થી 2010 સુધી કેશબ મહિન્દ્રા નવી દિલ્હીની વડાપ્રધાનના વેપાર અને ઉદ્યોગ પરિષદના સભ્ય હતા. કેશબ મહિન્દ્રાએ તેમના લાંબા કાર્યકાળ દરમિયાન કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. તેમણે યુટિલિટી વાહનોના ઉત્પાદન અને વેચાણને વધારવા પર ફોકસ કર્યું હતું. વિલીજ-જીપને પોપ્યુલર બનાવવામાં કેશબ મહિન્દ્રાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 1963થી 2012 સુધી ગ્રુપના ચેરમેન હતા. કેશબ મહિન્દ્રાએ નિવૃત્તિ પછી ભત્રીજા આનંદ મહિન્દ્રાને કમાન સોંપી. હાલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માત્ર તેના ટ્રેક્ટર અને એસયુવી માટે જાણીતી નથી પરંતુ સોફ્ટવેર સેવાઓ, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ તેનો દબદબો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500