સોનગઢ નગરપાલિકાની આગામી ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટેના મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કોંગ્રેસના ૦૪ ઉમેદવારો અને અપક્ષના ૦૧ ઉમેદવારે ઉમેદવારી પત્રક પરત ખેંચતા ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નં.૦૧ના કોંગ્રેસના લઘરાભાઈ ભરવાડ, ગીતાબેન લોહાર તેમજ વોર્ડ નં.૦૪ના ઉમેદવાર સાદીક કાઝી અને વોર્ડ નં.૦૭ના ઉમેદવાર ગફાર પટેલે અને વોર્ડ નં.૪માંથી અપક્ષ ઉમેદવાર પંડિતભાઈ સૂર્યવંશીએ ઉમેદવારી પરત લેતા કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર નીકળી જતા ભાજપના પાંચ ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા.
તેમાં વોર્ડ નં.૦૧ માંથી શિવાની રાણા, વોર્ડ નં.૦૪ માંથી કિશોર ચૌધરી, વોર્ડ નં.૦પ માંથી પ્રકાશ માળી અને વોર્ડ નં.૦૬માંથી મૌસિમ કુરેશી અને રૂકસાનાંબીબી મન્સૂરી બિનહરીફ થયા છે. તેની સાથે સોનગઢ પાલિકાના ૦૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો માટે ભાજપના હવે ૨૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સામે પક્ષે કોંગ્રેસના ૧૮ ઉમેદવારો જ ચૂંટણી લડનાર છે. કોંગ્રેસના ૧૦ ઉમેદવારોએ યેનકેન પ્રકારે ચૂંટણી મેદાન છોડી દીધું છે. આમ આદમી પાર્ટીના ૦૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
જ્યારે અપક્ષના ૦૩ અને એનસીપીના ૦૧ મળી કુલ પર ઉમેદવારો વચ્ચે આગામી ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે, ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર છેલ્લી ઘડીએ ગાયબ થઈ જતા કોંગ્રેસ ૨૭ બેઠકો પર જ ઉમેદવારી કરી શક્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન કોંગ્રેસના ૦૯ ઉમેદવારો યેનકેન પ્રકારે ચૂંટણી પ્રક્રિયામાંથી ખસી જતા ભાજપને માટે ફરી સત્તામાં બેસવાનો માર્ગ મોકળો બની ગયો છે. કોંગ્રેસના ૧૦ ઉમેદવારો ચૂંટણી પહેલા જ મેદાન છોડી જતા સોનગઢ પાલિકાની ચૂંટણી નિરસ જેવી બની ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500