તેલંગાણાનાં સિકંદરાબાદમાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. તેની લપેટમાં આવવાથી 8 લોકોનાં મોત થયા હતા અને કેટલાક ઘાયલ પણ થયા હતા. હૈદરાબાદના પોલીસ કમિશનર સી.વી.આનંદે જણાવ્યું હતું કે, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી જે પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
વધુમાં જણાવ્યું કે, અહીં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિક લોકો તેમના બચાવમાં આગળ આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ઘટના સ્થળે અનેક ફાયર ટેન્ડરો હાજર છે અને આગ ઓલવવાનું કામ કરવામાં આવ્યું હતું.
રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ આ ઘટનાની તપાસની વાત કરી છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફાયર બ્રિગેડની ટીમ લોજમાંથી લોકોને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થઈ ગયા છે. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા છે. ઘટના કેવી રીતે બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દરેક મૃતકના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500