રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પ્રભુભાઈ રામચંદ્ર સાવલિયાએ પોઇચા નજીક શ્રી રંગ સેતુ પુલ પરથી નર્મદા નદીમાં કૂદકો મારી દેતાં પરિવારના સભ્યો ચિંતિત થયા છે. પિતાએ દીકરીને વિડિયો કોલ પર કહ્યું હતું કે, બેટા છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કરું છું, મારે હવે નથી જીવવું, આટલું કહી ચાલુ વિડિયો કોલ પર પિતાએ નર્મદા નદીમાં કુદકો માર્યો હતો. આ બાબતે નર્મદા નદીમાં કૂદકો મારનારના ૧૯ વર્ષીય પુત્ર ધીરજે રાજપીપળા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. રાજપીપળા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
તારીખ ૫ માર્ચે બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને ૬ કલાક થયા હોવા છતાં પ્રભુભાઈનો કોઈ પત્તો લાગ્યો નહતો. હાલ ફાયર ફાયટરોની ટીમ એમની નર્મદા નદીમાં શોધખોળ કરી રહી હતી. આ બાબતે પ્રભુભાઈ રામચંદ્ર સાવલિયાના ૧૯ વર્ષીય પુત્ર ધીરજે જણાવ્યું હતું કે, મારા પપ્પાએ એમના ૩ મિત્રોને મિત્રતામા ઉછીના પૈસા આપ્યા હતા. તેઓ પૈસા પરત ન કરતા હોવાથી મારા પપ્પા ટેન્શનમાં હતા એટલે ટેન્શનમાં જ મારા પપ્પાએ આ પગલું ભર્યું છે. મારા પપ્પાએ નર્મદા નદીમાં કૂદકો માર્યો એ પહેલા સુરત ખાતે મારી બહેન દિપાલીને વીડિયો કોલ કર્યો હતો.
પપ્પાએ દિપાલીને પણ કહ્યું કે, મારી પાસે હવે પૈસા નથી, મારા મિત્રો મારા પૈસા આપતા નથી. એટલે હું તને કેવી રીતે આગળ ભણાવીશ, ઘર ખર્ચ કેવી રીતે કાઢીશ, હવે મારે જીવવું નથી, છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કર્યો છે. એવું વિડિયો કોલ પર કહી મોબાઈલ પાછળ ફેંકી દઈ નદીમાં કૂદી ગયા હતા. વીડિયો કોલ કટ થયા બાદ મારી બહેને મારા પપ્પાને ફરીથી વીડિયો કોલ કર્યો પણ પપ્પાએ રીસીવ ન કરતા મારી બહેને ઘરે ફોન કરી આ બાબતે જાણ કરી અમે તુરત ત્યાં પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500