ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. જેને પગલે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન રેકોર્ડ બ્રેક 49 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં બે જગ્યાએ મુંગેશપુર અને નજફગઢમાં તાપમાન 49.1 ડિગ્રી નોંધાયું હતું. આ પરિસ્થિતિ વચ્ચે પણ હવામાન વિભાગે કહ્યું હતું કે, તાપમાન હજુ પણ વધી શકે છે.
માત્ર દિલ્હી જ નહીં ઉત્તર પ્રદેશના બાંદામાં પણ તાપમાન 49 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ બિમારીનું પ્રમાણ પણ વધ્યું છે. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 49 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. લોકોને સવારે 6 વાગ્યાથી બપોરે 11 વાગ્યા અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ ઘરોની બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે.
સામાન્ય રીતે રાજસ્થાનમાં તાપમાન વધુ જોવા મળે છે પણ દિલ્હીમાં પણ રેકોર્ડ બ્રેક 49 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ રાજસ્થાનમાં પણ ભીષણ લૂનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના 10 જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરાઇ છે સાથે જ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાન 47.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
મધ્ય પ્રદેશમાં પણ તાપમાન વધ્યું છે, અહીંના છત્તરપુર જિલ્લાના નોવગાવ અને ખજુરાઓમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું હતું. અગાઉ આ બન્ને વિસ્તારોમાં શનિવારે તાપમાન 48 ડિગ્રીએ પહોંચ્યું હતું. હરિયાણા, પંજાબ અને ગુરુગ્રામમાં પણ તાપમાન વધ્યું હતું. હરિયાણાના ગુરુગ્રામમાં તાપમાન 48.1 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે પંજાબના મુક્તસરમાં પણ તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર કરી ગયો હતો. ઉત્તર ભારતમાં જમ્મુમાં પણ તપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો જેની અસર વૈષ્ણોદેવી યાત્રા પર પણ જોવા મળી હતી. એટલે કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં તાપમાન સૌથી વધુ નોંધાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500