ભારતને ચાલુ વર્ષે ગરમીમાં વિજળીની માંગમાં ૯થી ૧૦ ટકાની વૃદ્ધિ માટે તૈયાર રહેવુ પડશે. નિષ્ણાતોએ દેશમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી વીજળીની માંગ વધવાની ચેતવણી આપી છે. નિષ્ણાતોનું માનવું છે કે, વધતી ગરમીને કારણે એસીનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ સતત વધી રહી છે. ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તરે વીજળીની મહત્તમ માંગ ૩૦ મે’ના રોજ ૨૫૦ ગીગાવોટને પાર કરી ગઇ હતી. જે અંદાજથી ૬.૩ ટકા વધારે હતી. નિષ્ણાતોનું માનવું છે કે, કલાયમેટ ચેન્જને કારણે વધતી ગરમી વીજળીની માંગ વધવા પાછળનું સૌથી મોટુ કારણ છે. હાલમાં ભારતની કુલ વીજળી વપરાશમાં ઉદ્યોગો, ઘરો અને કૃષિનો ફાળો અનુક્રમે ૩૩ ટકા, ૨૮ ટકા અને ૧૯ ટકા છે.
દિલ્હી સ્થિત થિંક ટેન્ક કાઉન્સિલ ઓન એનર્જી, એનવાયરોમેન્ટ અને વોટરમાં સિનિયર પ્રોગ્રામ લીડ-રિન્યુએબલ્સ દિશા અગ્રવાલના અનુસાર છેલ્લા એક દાયકામાં ઘરેલુ વીજળી માંગ સૌથી ઝડપથી વધી છે. ઘરેલુ વીજળી વપરાશનો હિસ્સો ૨૦૧૨-૧૩માં ૨૨ ટકા હતો જે ૨૦૨૨-૨૩માં વધીને ૨૫ ટકા થઇ ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આર્થિક વિકાસ અને વધતી ગરમીને કારણે એસીનો વધતા ઉપયોગને કારણે ઘરેલુ વીજ વપરાશ વધી છે. ભારતમાં દર ૧૫ સેકન્ડે એસી વેચાય છે. આગામી ૩૦ વર્ષોમાં દર સેકન્ડે ૧૦ નવા એસીની વપરાશ વધશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના રિસર્ચ ડાયરેક્ટર ઋષિકા ખોસલાએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ છતાં ૨૦૫૦ સુધી બે’થી પાંચ અબજ લોકો પાસે એસી નહીં હોય. તેમણે જણાવ્યું હતું કે, ચાલી રહેલા સંશોધનથી જાણવા મળે છે કે પૂર્વ ઔદ્યોગિક કાળની સરખામણીમાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ વિશ્વમાં એસીની સૌથી વધુ માંગ ભારતમાં જોવા મળશે. ત્યારબાદ ચીન, નાઇજિરિયા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિલિપાઇન્સ અને અમેરિકાનો નંબર આવશે. સૌથી ગરમ અને સૌથી લાંબી ગરમીની લહેરોમાંથી એક દરમિયાન ભારતમાં ૪૧,૭૮૯ હીટ સ્ટ્રોકના કેસો નોંધવામાં આવ્યા છે અને ગરમીને કારણે ૧૪૩ લોકોનાં મોત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500