વલસાડ જિલ્લાનાં પારડી સ્વાધ્યાય મંડળ રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં ગયેલ વીજ કંપનીનાં કર્મચારીએ બીલનાં નાણાં ન ભરનાર ગ્રાહકનું વીજ મીટર કાઢી લીધું હતુ. આ બાબતથી અકળાયેલા ગ્રાહકે વીજ કંપનીનાં કર્મચારીને અપશબ્દો કહીને તેની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ કર્મચારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી સ્વાધ્યાય મંડળ રોડના રેવાભાઈ જીવાભાઈ ભરવાડનાં ઘરે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઘરના ઉપકરણોના વપરાશ માટે વીજ કનેક્શન આપવામાં આવ્યું હતુ.
આ સાથે જ રેવાભાઈના ઘરે વીજકંપનીએ વીજ મીટર પણ મુક્યું હતુ. આ વીજમીટરમાં દર્શાવાયેલું વીજવપરાશ બદલનું બીલ ગ્રાહક દ્વારા ભરવામાં આવ્યું ન હતુ. તેથી વીજ કંપનીનાં ઉચ્ચ અધિકારીઓનાં આદેશ બાદ કર્મચારીઓ કેવિન ખંડુભાઈ કોળી પટેલ (આસિસ્ટન્ટ ડીજીવીસીએલ, પારડી) બીલની ઉઘરાણી માટે પારડી વિસ્તારમાં નીકળ્યા હતા. ત્યારે ફરતા ફરતા તેઓ રેવાભાઈ જીવાભાઈ ભરવાડના ઘરે પહોંચતા બિલ બાકી હોવાથી તેઓએ મીટર કાઢી પારડી ઓફિસે લઈ જવા તજવીજ આદરી હતી. આ સમયે રેવાભાઈનો છોકરો ભરતભાઈને તેની જાણ થતાં ડી.જી.વી.સી.એલ.ની કચેરી પારડી ખાતે જઈ કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી. એટલું નહીં તેણે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ડી.જી.વી.સી.એલ. પારડીનાં કેવિનભાઈએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે રાજ્ય સેવકને કામગીરીમાં રૂકાવટ કરી ઝઘડો તકરાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગેનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application