પાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ આધાર સાથે લિંક કરાયા પછી હવે આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, સરકાર નજીકના સમયમાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવા માટે નિયમ લાવી શકે છે. મતદારો માટે આધારની માહિતી શેર કરવી સ્વૈચ્છિક હશે, પરંતુ એવું ન કરનારાઓએ તેના માટે કારણ જણાવવું પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, ચૂંટણી પંચે આ વર્ષે માર્ચમાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં રસીકરણ અભિયાનમાં ગતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સમયે મતદારો અને ચૂંટણી અધિકારીઓ કોરોના વાઈરસ સામે સુરક્ષિત રહે તે માટે રસીકરણ અભિયાન પર વિશેષ ભાર મૂકાયો હતો. સુશીલ ચંદ્રા શનિવારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમણે સીઈસી તરીકે તેમના કાર્યકાળમાં જે બે મુખ્ય ચૂંટણી સુધારા થયા તેમાં 18 વર્ષની વયના મતદારોની નોંધણી કરાવવા માટે એકના બદલે વર્ષમાં ચાર તારીખ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ અને મતદાર યાદીમાં નકલી એન્ટ્રીઓ પર લગામ લગાવવા માટે આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાનો સમાવેશ થાય છે.
ચંદ્રાએ કહ્યું કે, પહેલા દર વર્ષે ૧લી જાન્યુઆરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેની કટ-ઓફ તારીખ હતી. પરંતુ 18 વર્ષ પૂરા કરનારા યુવાનોને મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરાવવા માટે હવે વર્ષમાં ચાર તારીખો મળે છે. આ સુધારો છેલ્લા 20 વર્ષથી પેન્ડિંગ હતો. સરકાર આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાના નિયમનું નોટિફિકેશન ક્યારે લાવશે તે અંગે સવાલ કરતા ચંદ્રાએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં આ નિયમ લાવી શકે છે, કારણ કે અમે આ સંબંધમાં પહેલા જ પ્રસ્તાવનો મુસદ્દો મોકલી દીધો છે. અમે ફેરફારની જરૂર હોય તેવા ફોર્મ પણ મોકલી દીધા છે અને તે કાયદા મંત્રાલય પાસે છે. અમે આપણી આઈટી સિસ્ટમ પણ મજબૂત કરી લીધી છે.
ચંદ્રાનું માનવું છે કે, આધાર કાર્ડ અને મતદાર યાદીને લિંક કરવાથી મતદાર યાદીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં મદદ મળશે. તેનાથી ચૂંટણી પંચ તેની સંચાર વ્યવસ્થા મારફત મતદારોને વધુ સેવાઓ પૂરી પાડે એ પણ સુનિશ્ચિત થઈ શકશે. પોતાના કાર્યકાળના સૌથી મોટા પડકાર અંગે ચંદ્રાએ કહ્યું કે, કોરોના કાળમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી કરાવવી સૌથી મોટો પડકાર હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ નજીક હતી તેવા સમયે જ અચાનક કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. તેથી અમારે અચાનક મતદાન પ્રક્રિયા અને ચૂંટણી તંત્ર સુરક્ષિત બનાવવાની તૈયારી કરવી પડી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500