ભારતની ખાદ્યતેલની આયાત ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં 19 ટકા ઘટી હોવાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય એમ છે. માલભરાવો થતાં રિફાઈનરોએ ગયા મહિને પામ ઓઈલની ખરીદીમાં 25 ટકા જેટલો કાપ મૂકયાનું પણ આંકડા પરથી જણાય છે. ભારત દ્વારા આયાતમાં ઘટાડાને પરિણામે પામ ઓઈલના મોટા ઉત્પાદક દેશો ઈન્ડોનેશિયા તથા મલેશિયામાં પામ ઓઈલનો સ્ટોકસ જમા થવા લાગ્યો છે અને ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ભારતની ખાધ્ય તેલની આયાત ઘટી 15 લાખ ટન રહી હતી જેમાં 8.30 લાખ ટન પામ ઓઈલનો સમાવેશ થાય છે એમ સ્થાનિક ડીલરો પાસે એકત્રિત આંકડા સૂચવે છે.
વર્તમાન વર્ષના જુલાઈ તથા ઓગસ્ટમાં વિક્રમી ખરીદીને કારણે ઘર આંગણે ખાધ્ય તેલનો સ્ટોકસ વધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આમ માલભરાવો થતાં ખરીદદારો હાલમાં ખપપૂરતો જ માલ મંગાવી રહ્યા છે. 2022ના સપ્ટેમ્બરના પ્રારંભમાં 24 લાખ ટનની સામે વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના પ્રારંભમાં ખાધ્ય તેલનો સ્ટોકસ વધી 37 લાખ ટન પર પહોંચી ગયાનું પણ ઉદ્યોગ સંસ્થા સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. સનફલાવર ઓઈલની આયાત 15 ટકા ઘટી 3.10 લાખ ટન રહી છે.
જ્યારે સોયાઓઈલની આયાત બે ટકા જેટલી વધી 3.65 લાખ ટન રહ્યાનો પણ અંદાજ મુકાઈ રહ્યો છે. પામ ઓઈલની આયાત ભારત મોટેભાગે મલેશિયા, થાઈલેન્ડ તથા ઈન્ડોનેશિયા ખાતેથી જ્યારે સોયાઓઈલની રશિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના તથા યુક્રેન ખાતેથી કરે છે. જૂન તથા ઓગસ્ટમાં સુકા હવામાન અને વાવણીના ધીમા પ્રારંભને પરિણામે, ઘર આંગણે તેલીબિયાંના ઉત્પાદનને લઈને ચિંતા પ્રવર્તતી હતી જેને કારણે જુલાઈ તથા ઓગસ્ટમાં તહેવારો પૂર્વે આયાતમાં વધારો જોવાયો હતો. જોકે સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેતા તેલીબિયાંના ઉત્પાદનને લઈને પ્રારંભિક ચિંતા હવે ઓછી થઈ હોવાનું પણ સીના સુત્રોએ ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500