નેપાળ અને તિબેટની બોર્ડર પર ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. શનિવારે નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા આવ્યા હતા. પૂર્વી નેપાળમાં તિબેટ બોર્ડર નજીક બપોરે 1 વાગ્યે એક હળવો ભૂકંપ અનુભવાયો હતો અને પશ્ચિમ નેપાળમાં સવારે બે હળવા ભૂકંપ અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલગ અલગ સ્થળોએ આવેલા ભૂકંપને કારણે ક્યાંય પણ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળી રહ્યા. નેપાળમાં વર્ષ 2025માં અત્યાર સુધીમાં 4.0થી વધુ તીવ્રતાના 10 ભૂકંપ નોંધાયા છે.
જ્યારે વર્ષ 2024 માં કુલ 22 ભૂકંપ આવ્યા હતા. આ પહેલા, 12 એપ્રિલ 2015 અને 12 મે 2015 ના રોજ નેપાળમાં 7.8 અને 7.3 ની તીવ્રતાના ભયાનક ભૂકંપ આવ્યા હતા. જેના કારણે 9 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 25 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નેપાળ અત્યંત સક્રિય ભૂકંપ ઝોન (IV-V)માં આવે છે. એટલા માટે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભૂકંપ આવે છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપ ત્યારે થાય છે જ્યારે ટેક્ટોનિક પ્લેટો પૃથ્વીના સ્તર નીચે અથડાય છે અથવા સરકી જાય છે. ક્યારેક અચાનક ઊર્જા મુક્ત થાય છે. આ ઉર્જા ભૂકંપના તરંગોના રૂપમાં બહાર આવે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજી ઉઠે છે. જેને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપની અસર તેની તીવ્રતા અને કેન્દ્રબિંદુ પર આધાર રાખે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500