નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર ખારેલ ઓવરબ્રીજ દક્ષિણ છેડે વોચ ગોઠવી હતી. જેમાં વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત રૂપિયા ૬,૭૫,૧૨૦/-નો મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. બનાવની વિગત એવી હતી કે, ગણદેવી પોલીસને વલસાડ તરફથી વિદેશી દારૂની ખેપ સુરત તરફ જતી હોવાની બાતમી મળી હતી. જે આધારે ખારેલ ઓવરબ્રિજ દક્ષિણ છેડે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયન બાતમીવાળો ટેમ્પો આવતાં પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી.
આ સમયે ૫૯ પૂંઠાનાં બોક્સમાંથી દારૂની બોટલ નંગ ૧,૯૯૨ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૨,૭૦,૧૨૦/- થતી હતી. પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત ટેમ્પો જેની કિંમત રૂપિયા ૪ લાખ, મોબાઈલ ફોન નંગ-૧ (કિંમત રૂ. ૫ હજાર) મળી કુલ રૂ. ૬,૭૫,૧૨૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. વધુમાં ટેમ્પોના ચાલક આલોક બાલ ગોવિંદ મોર્યા (રહે.દહેજ, ભરૂચ)ની ધરપકડ કરાઈ હતી. જયારે માલ મંગાવનાર અને દારૂ લઈ જતા ટેમ્પોનું પાઈલોટિંગ કરનાર આરોપી શનિ પંડિત (રહે.નવાગામ ડિંડોલી, સુરત) અને માલ ભરી આપનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500